વાગરાથી મુલેરને જોડતો નવનિર્મિત માર્ગ જે વિકાસની ગાથા કહેવાનો હતો. તે હવે તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે. આ માર્ગ પર લગાવેલા સાઈનબોર્ડ્સ પર ગામોના નામો બદલાય ગયા છે, અંતર વધી ગયું છે, અને બસના ચિત્રો તો ઊંધા લગાડવામાં આવ્યા છે. આ બધું જોઈને લાગે છે. કે કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ નહીં પણ ‘હાસ્યના સર્કસ’નો કોન્ટ્રાક્ટ લીધો હોય એમ એક પછી એક હાસ્યાસ્પદ ભૂલોનો સિલસિલો જોઈને પ્રજા પેટ પકડીને હસી રહી છે. અને સવાલ કરી રહી છે કે આ બેદરકારી કોન્ટ્રાક્ટરની છે કે, પછી ભ્રષ્ટાચારના બિલ પાસ કરનારા સરકારી બાબુઓની?

આ કિસ્સાની શરૂઆત જ હાસ્યજનક છે. સાંચણ ગામનું નામ બોર્ડ પર “સાયણ” લખી દેવાયું છે. કદાચ કોન્ટ્રાક્ટરને લાગ્યું હશે કે ‘ચ’ કરતાં ‘ય’ વધુ સારો લાગે છે ત્યારબાદ પહાજથી વાગરાનું અંતર જે માંડ 5-6 કિલોમીટર છે. તેને બોર્ડ પર સીધું 14 કિલોમીટર દર્શાવીને પ્રજાને ‘લૂલી લાયન’ બનાવવાની કોશિશ કરી છે. શું હવે રસ્તાઓ પણ લાંબા થઈ રહ્યા છે. કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને ‘કમાણીનો માર્ગ’ લાંબો કરી રહ્યા છે. બદલપુરા ગામ નજીક તો બેદરકારીએ હદ વટાવી દીધી છે. ગામનું નામ બદલપુરાને બદલે “બદલપુર” લખીને નામમાં જ “બદલાવ” લાવી દીધો છે.

આ સાથે જ વહિયાલ ગામનું નામ પણ “વાહિયાલ” લખીને તંત્રએ પોતાની “વાહિયાત” બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં. બસ સ્ટોપ દર્શાવવા માટે બસનો ફોટો પણ ઊંધો લગાવાયો છે. જાણે બસ બદલપુરા આવતા આવતા ગબડી પડી હોય!. આટલું ઓછું હોય તેમ સ્પીડ લિમિટ દર્શાવતું બોર્ડ પણ ઊંધું લગાવીને તંત્રએ જાણે પોતાની ‘સ્પીડ’નું પ્રદર્શન કર્યું છે – એટલે કે ભ્રષ્ટાચારની સ્પીડ!

આ માર્ગ પરની સૌથી મોટી રહસ્યમય ઘટના સ્પીડ બ્રેકરને લઈને સર્જાઈ છે. જ્યાં રોડ પર સ્પીડ બ્રેકરના બોર્ડ લગાવવામાં આવ્યા છે, ત્યાં ક્યાંય સ્પીડ બ્રેકરનો પત્તો નથી. અને જ્યાં ખરેખર સ્પીડ બ્રેકર છે, ત્યાં કોઈ સૂચક બોર્ડ જ નથી! આ જોઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે કે, “શું સ્પીડ બ્રેકર ચોરી થઈ ગયા કે પછી તેના બોર્ડ? કદાચ ચોરોને ખબર પડી ગઈ હશે કે સ્પીડ બ્રેકર કરતાં તેના બોર્ડ જ કિંમતી છે!” આ પરિસ્થિતિએ વાહનચાલકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. કે ક્યાં સ્પીડ ધીમી કરવી અને ક્યાં નહિ. તંત્રની આ હાસ્યાસ્પદ બેદરકારી જોઈને લોકો કહી રહ્યા છે કે આ તો પ્રજા સાથે ‘લૂક-છુપ’ની રમત છે, જેમાં પ્રજા ‘ચકિત’ થઈ ગઈ છે. અને તંત્ર ‘બેદરકાર’ થઈ ગયું છે.

આ ભૂલો જોઈને લોકો પૂછી રહ્યા છે કે આ રસ્તો કોઈ અનુભવી કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે. કે પછી કોઈ ‘નર્સરી’ના વિદ્યાર્થીઓને કામ સોંપાયું હતું? આવા કામો સ્પષ્ટ દર્શાવે છે. કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થઈ રહ્યું છે. અને કોઈને પણ ગુણવત્તાનું ધ્યાન નથી. પ્રજામાં એ પણ ચર્ચા ચાલી રહી છે. કે જો સાઈનબોર્ડ જેવી સામાન્ય બાબતમાં આટલી બેદરકારી હોય તો રોડની ગુણવત્તા કેવી હશે? અને શું અધિકારીઓએ પોતાના હિસ્સા ખિસ્સામાં સેરવીને બિલો આંખ મીંચીને પાસ કરી દીધા છે? આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. નહીં તો આ માર્ગનું નામ ‘હાસ્યનો હાઈવે’ રાખવું પડશે તેવી હાસ્યાસ્પદ ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









