આમોદના બચ્ચો કા ઘર નજીકનો મુખ્ય માર્ગ તંત્રની ઘોર બેદરકારીને પ્રતાપે બિસમાર બની ગયો છે. શાળા, મદ્રેસા અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારો પાસે આવેલી ખુલ્લી ગટરો આજે સ્થાનિકો માટે જોખમી બની રહી છે.

તાજેતરમાં ખુલ્લી ગટરમાં એક કાર ખાબકી હતી.સદનસીબે જાનહાની ટળી હતી.

દેખાવ પૂરતું સમારકામ કરીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. ખુલ્લી ગટરો પર તાત્કાલિક ઢાંકણા મૂકવામાં આવે, રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે થાય અને જવાબદાર કોન્ટ્રાકટર તેમજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.

સદર માર્ગ પરથી દરરોજ નાના બાળકો શાળા અને મદ્રેસાએ જાય છે, ત્યાં ખુલ્લી ગટર અને ખરાબ રસ્તાને કારણે તેમના જીવ સતત જોખમમાં રહે છે. આ ગંભીર પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે? શું કોઈ નિર્દોષ બાળક કે નાગરિકનો જીવ ગયા બાદ જ અધિકારીઓની આંખ ખુલશે અને પછી જ પગલાં લેવાશે…??? ખુલ્લી ગટરના સળિયા પણ નરી આંખે દેખાઈ રહ્યા છે.

ચોમાસામાં પાણી ભરાયેલું હોવાથી આ સળિયા વાહનચાલકો અને રાહદારીઓ માટે અણધાર્યા જોખમ સમાન છે. જો કોઈ બાળક આ પાણી ભરેલી ગટરમાં અજાણતા પડી જાય તો આ સળિયા તેને ગંભીર રીતે ઇજા પહોંચાડી શકે છે અથવા તો તેનો જીવ પણ લઈ શકે છે. આ ખુલ્લી ગટરની બાજુમાં જ શાળા અને મદ્રેસા આવેલી છે, જ્યાં દરરોજ અનેક માસૂમ બાળકો પસાર થાય છે.ત્યારે તંત્ર આમોદ ના મુખ્ય માર્ગ આસપાસ આવેલ ખુલ્લી ગટરો નું મરામત કાર્ય હાથ ધરે તેવી માંગ સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકો માંથી ઉઠવા પામી છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









