દહેજ GIDC માં અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક કામદારે જીવ ગુમાવ્યો હતો. બનાવની વિગત એમ છે, કે વાગરા તાલુકાની દહેજ GIDC સ્થિત રામદેવ કંપનીમાં કામ કરતા કામદાર બિપીન અજય મંડળ પોતાની શિફ્ટ પૂરી કરીને હાથપગ ધોઈને કંપનીની બહાર નીકળી રહ્યો હતો, તે દરમિયાન ભારે પવનના કારણે કંપની પરિસરમાં મૂકાયેલો રેન્કનો ઘોડો તેના પર પડતા ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ગંભીર ઈજાઓને પગલે બિપીનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર રીતે ઘવાયેલા કામદારનું સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું.

ઉલ્લેખનીય છે, કે માત્ર ત્રણ મહિનાથી કંપનીમાં કાર્યરત બિપીનના પરિવારજનોએ કંપની પાસે 10 લાખ રૂપિયાનું વળતર અને દર મહિને 30 હજાર રૂપિયાની સહાયની માંગણી કરી હતી. જોકે કંપનીના અધિકારીઓએ 10 લાખ રૂપિયાનું વળતર આપવાની બાંહેધરી આપી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બનાવને પગલે દહેજ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી કંપનીના કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









