ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ધ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આકાર લેનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ ના જીએનએફસી બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે ભરૂચના સાંસદથી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહીતઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ભરૂચ જિલ્લાના વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં એસટી વિભાગ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે તે ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ ગુજરાતની બહારના સ્થળોને પણ આવરી લે છે. ગરીબ અને મધ્યમ વર્ગના માણસોની તકલીફ દૂર કરવા સરકાર સુવિધા પૂરી પાડવા માટે હંમેશા તત્પર રહે છે. અંકલેશ્વર ખાતે બનાવવામાં આવનાર એસ.ટી. ડેપો- વર્કશોપથી બસોની નિયમિત તેમજ પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની કામગીરી થશે. જેનાથી અંકલેશ્વર-ભરૂચ ડીવીઝન વિસ્તાર સહિત બસ મુસાફરી વધુ અસરકારક બનશે એવો સાંસદે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે એસ.ટી એ ગુજરાતની જીવાદોરી સમાન છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વૃદ્ધો અને દર્દીઓ એસ.ટી. બસોમાં નિયમિત અને કરકસરયુક્ત ખર્ચે સલામત મુસાફરી કરે છે.આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે, રોજગાર નિર્માણ કરવાની પ્રક્રિયામાં એસ.ટી. બસોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. આજે ગુજરાતમાં અંદાજિત ૮ હજાર થી વધુ બસો રાજ્યના લોકોને પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. ખખડધજ, જુની અને જર્જરીત બસોનું સ્થાન હવે એસી વાળી વોલ્વો બસોએ લીધું છે. હાલ અંકલેશ્વર ડેપો થી દૈનિક ૧૨૭ બસોની અવરજવર થાય છે. અંતે તેમણે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનની જાળવણી કરવા સૌને અપીલ કરી હતી.ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એ પ્રાસર્ગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આજે આપણા સૌ માટે આનંદનો દિવસ છે. દેશ ના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ઓળખ ઉભી થઈ છે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અમલ કરવામાં પણ સતત ગુજરાત અગ્રેસર રહ્યું છે. ત્યારે વિવિધ જનકલ્યાણની યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ તકે રાજ્ય સરકાર તરફથી નિગમને ઈનફાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી ભરૂચ અને અંકલેશ્વરને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સરાહનિય છે. રાજ્ય સરકાર તરફથી નિગમને ઇનફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી ભરૂચ એસ.ટી વિભાગના અંકલેશ્વર મુકામે જુના અને જર્જરીત બસ સ્ટેશન તથા ડેપો વર્કશોષના સ્થાને ૧૬,૩૨૮.૭૯ ચો.મી જમીન વિસ્તારમાં રૂા. ૧૧૫૪.૧૮ લાખના ખર્ચે આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન બસ સ્ટેશન તથા ડેપો- વર્કશોપ તેમજ ભરૂચ (જી.એન.એફ.સી) બસ સ્ટેશન કે જે ૧૮૦૦ ચો.મી જમીન વિસ્તારમાં રૂા. ૨૬૬.૯૭ લાખના ખર્ચે જુના અને જર્જરીત બસ સ્ટેશન ડીમોલીશન કરીને નવિન બસ સ્ટેશન બનાવવાના કામનું ખાતમુહુર્ત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંપન્ન થયું હતુ.કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, ભરૂચ જિલ્લા વિભાગીય નિયામક નિયામક આર.પી.શ્રીમાળી, અંકલેશ્વર નગર પાલિકાના હોદેદારો, આગેવાન પદાધિકારીઓ. એસ.ટી.નિગમના અધિકારી અને કર્મચારીગણ સહિત મહાનુભાવો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ (બાપુ)









