દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક શનિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામના ત્રણ યુવાન ભડથું થઇ ગયા હતા. કામ પર જઈ રહેલા આ યુવકોનાં વાહનને અકસ્માત થયો હતો, જેથી વાહન ભડકે બળ્યું હતું, જેમાં આ ત્રણેય યુવકોનાં મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ત્રણેય યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. શનિવારે સવારે તેઓ પોતાના કામ માટે વાહનમાં જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જવાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનાં મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતક યુવાનોની ઓળખ શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ તરીકે થઈ છે. ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં રોજગારી અર્થે જાય છે. આ ત્રણેય યુવાનો પણ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા
અકસ્માતના સમાચાર પહોંચતાં જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોનાં પરિવારજનો પર આભ તૂટી પડયું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે. સમાચાર એજન્સી તરફથી મળેલા અહેવાલ અનુસાર શનિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં મીની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મીની બસમાં સવાર ૧૦ વ્યક્તિ અને કારમાં સવાર ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ









