વાગરા બસ મથકમાં નવરા લોકો ની હાજરી ને પગલે મુસાફરો ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.વાગરા નગરમાં બસ ડેપો મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવ્યો છે કે પછી નવરા અને અસામાજિક તત્વોને આરામ ફરમાવવા માટેનું આશ્રયસ્થાન બની ગયો છે?

તેવો સવાલ હવે સ્થાનિકોમાંથી ઉઠી રહ્યો છે. બસ મથકમાં કેટલાક નવરા તત્વોનો અડીંગો જામતો હોવાની ફરિયાદો સામે આવતાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે.ખાસ કરીને બસમાં અવરજવર કરતી મહિલાઓ તેમજ દરરોજ શાળા-કોલેજમાં અભ્યાસ માટે આવતી-જતી યુવતીઓમાં અસલામતી અને ડરની લાગણી ફેલાઈ રહી છે. બસની રાહ જોતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓની આસપાસ અસામાજિક તત્વોનો જમાવડો રહેતો હોવાની ફરિયાદોને પગલે બસ ડેપોનું વાતાવરણ ચિંતાજનક બન્યું છે. જાહેર પરિવહનના આ મહત્વના સ્થળે પોલીસની નિયમિત હાજરી રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો સમયસર તકેદારી રાખવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જવાબદારી કોણ લેશે?સ્થાનિકો દ્વારા વાગરા પોલીસ સમક્ષ બસ ડેપોમાં અચાનક ચેકિંગ હાથ ધરવા, શંકાસ્પદ રીતે બેસી રહેતા તત્વોની પૂછપરછ કરવા, નિયમિત પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ ખાસ કરીને શાળા–કોલેજના સમય દરમિયાન પોલીસની હાજરી સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી રહી છે.વાગરા બસ ડેપો કોઈના બાપનો અંગત અડ્ડો નથી, આ જાહેર જનતાની સુવિધાનું સ્થળ છે. મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને ભયમુક્ત વાતાવરણમાં મુસાફરી કરવાનો અધિકાર છે. પોલીસ તંત્રએ આ બાબતે તાત્કાલિક કડક કાર્યવાહી કરી અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે. નહીં તો મહિલા સુરક્ષાના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જશે…!!!








