ડભોઇ ખાતે ” નો બેગ ડે ” નો કોન્સેપ્ટ વિશ્વભારતી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો કે જે દિવસે શાળામાં વિદ્યાર્થીઓને નૈસર્ગિક રીતે વિકસવાનો અવસર મળે. આમ તો વિદ્યાર્થીનું બીજું ઘર એટલે શાળા, પણ નાનપણથી આપણે સૌ કદાચ સ્કૂલ જવાના નામથી ગભરાઈ જતા હતા. અને જ્યારે ભણતરની સમજ આવી એટલે લેસન વાંચન-લેખનથી કોઈ દિવસ બ્રેક લેવાનું મન પણ થઈ જાય અને એવું થાય કે અહીં સ્કૂલમાં જ બધા સાથે મળીને મિત્રો- બહેનપણીઓ સરસ મજાની વાતો કરીએ, અવ નવી વસ્તુઓ બનાવીએ, પોતાના મનગમતા શિક્ષક સાથે બેસીને રમીએ જમીએ.અને જે દિવસે શિક્ષણ અને ચોપડીની દુનિયા જ ભુલાઈ જાય. વિદ્યાર્થીઓની આ કલ્પનાની દુનિયાને સાકાર કરવાનો પ્રયાસ ડભોઇ વિશ્વભારતી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યો હતો.

ડભોઇની જાણીતી કેળવણી સંસ્થા વિશ્વભારતી વિદ્યાલયમાં નો બેગ ડે ના દિવસે પ્લે , કેજીના નાના ભૂલકાઓ આનંદદાયક અને જ્ઞાનવર્ધક રમતો રમ્યા હતા. ધોરણ ૧ થી ૪ ના બાળકોએ આપણી દેશી રમતો અને બોલ-બેટનો આનંદ માણ્યો હતો. સાથે સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્ક કર્યું જેમાં સ્પ્રિંગ સ્નેક, ફ્લાવર પોટ, ફોટો ફ્રેમ, તોરણો તથા રંગબેરંગી પતંગો બનાવી હતી. ધોરણ પાંચ થી સાત ના બાળકોએ પેપર ક્રાફ્ટ કરી કેરમ, ચેસ, લુડો ઉનો વગેરે જેવી રમતો રમી આહલાદક આનંદ મેળવ્યો અને આ આનંદમાં વધારો કરવા અને કાળજી રાખવા શાળાના શિક્ષકો અને કેળવણીકાર પણ તેમની સાથે જોડાયા હતા. આમ ” નો બેગ ડે ” વિદ્યાર્થીઓ માટે જિંદગીનો અમૂલ્ય દિવસ બની ગયો હતો.
તસવીર :બાલકૃષ્ણ શાહ ડભોઇ









