આણંદ જિલ્લામાં બાળકોને પોલિયો જેવા ગંભીર રોગથી સુરક્ષિત રાખવા માટે આગામી તા. ૨૨,૨૩ અને ૨૪ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝુંબેશ યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષ સુધીની વયજૂથના અંદાજિત ૨,૫૧,૮૨૪ બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.આ અંગેની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, વ્યવસ્થાઓ અને કામગીરીના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રસીકરણ બૂથ ઊભાં કરવા ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના ટ્રાન્ઝિટ પોઈન્ટ પર ટીમો તૈનાત કરવા અને જરૂરિયાત મુજબ મોબાઈલ ટીમો દ્વારા રસીકરણની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને સ્થળાંતરિત શ્રમિકો, બાંધકામ સાઈટ, ઝૂંપડપટ્ટી અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા બાળકો રસીકરણથી વંચિત ન રહે તે માટે વિશેષ આયોજન કરવા કલેક્ટરે ભાર મૂક્યો હતો.આ અભિયાનમાં આરોગ્ય વિભાગની સાથે ICDS, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ અને નગરપાલિકાઓ સહિતના સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પોલિયોની રસીનો પૂરતો જથ્થો, કોલ્ડ ચેઈનની યોગ્ય જાળવણી, જનજાગૃતિ અને રસીકરણ કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવા પણ સૂચનાઓ અપાઈ હતી.રસીકરણના પ્રારંભિક તબક્કા બાદ પણ કોઈ બાળક રસી પીવાથી વંચિત રહી ન જાય તે માટે આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ બાકી રહેલા બાળકોને આવરી લેવા બાબતે બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ ,આણંદ








