વાગરામાં એક્સપાયરી ડેટ વાળા ગાંઠિયા ખાવાથી બાળક બીમાર પડવાના આક્ષેપ,દુકાન બંધ કરાવાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલા જનરલ સ્ટોર સામે ગંભીર આક્ષેપ કરાયા છે.એક ગ્રાહકે દુકાનમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટ પરથી એક્સપાયરી ડેટનો ટેગ કાઢી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.વધુમાં એક્સપયાયરી ડેટવાળા ગાંઠિયા ખાધા બાદ બાળકને અચાનક ઉલ્ટીઓ શરૂ થયાનો પરિવારે દાવો કર્યો હતો.ગ્રાહકના જણાવ્યા મુજબ, પેકેટ પર લગાવેલો એક્સપાયરી ડેટનો સ્ટિકર કાઢી નાખવામાં આવ્યો હતો.

મામલો ગંભીર બનતાં ગ્રાહકે ૧૧૨ ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. ફોન મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. વાગરાના વાંટા વિસ્તારના શાહરુખ સલીમ શેખે જવાબદાર દુકાન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ, દુકાનના સંચાલક સુરેશભાઈ કુમાવતે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે એક્સપાયરી માલ અલગ રાખીને સાઈડમાં મૂકેલો હતો. તેઓ દુકાન પર હાજર ન હોતા. તેમના કહેવા મુજબ, છોકરાએ ભૂલથી તે પેકેટ આપી દીધું હશે. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ કહી તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી હતી.

 

ફરિયાદ બાદ જનરલ સ્ટોર પર પહોંચેલી સરકારી ટીમે કાર્યવાહી કેમ ન કરી?

સરકારી અધિકારીઓએ જગ્યા પર જઈ દુકાન બંધ કરાવી હતી, જોકે તાળાં માર્યાં છતાં કાયદેસર કાર્યવાહીનો અભાવ સામે આવતા તંત્રની ભૂમિકા સામે જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવ્યા છે.એક્સપાયરી ડેટવાળો માલ વેચાતો હોવાની ફરિયાદને પગલે વાગરા નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ સાવરિયા જનરલ સ્ટોર ખાતે પહોંચ્યા હતા અને દુકાનમાં રહેલા ખાદ્યપદાર્થોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.અધિકારીઓ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી અને સેમ્પલિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

દુકાનને આગળ-પાછળથી તાળાં મારી તેની ચાવી તલાટી કમ મંત્રીને સોંપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.આ સમગ્ર મામલે વાગરા નાયબ મામલતદાર પ્રતીક પાઠકનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી તેમની સત્તાના દાયરામાં આવતી નથી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઉપલબ્ધ ન હોવાથી દુકાન બંધ કરાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના પાંચ ઇન્સ્પેક્ટરો કેવડિયા ખાતે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી બીજા દિવસે આવીને કાર્યવાહી કરશે.

 

જોકે, ફરિયાદ ગંભીર હતી તો મામલતદાર કચેરીની ટીમ સ્થળ પર પહોંચી શા માટે? જો કાર્યવાહી તેમની સત્તામાં આવતી ન હતી તો દુકાનને સીલ સમાન રીતે બંધ કરાવવાનો નિર્ણય કયા આધારે લેવાયો? દુકાનમાંથી શંકાસ્પદ માલ અંગે સત્તાવાર રીતે શું નોંધ કરવામાં આવી? અને ફૂડ વિભાગની કાર્યવાહી સુધી દુકાન બંધ રાખવાની જવાબદારી કોની તેવા અનેક સવાલો હવે જાગૃત નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.ફરિયાદ બાદ તંત્ર સ્થળ પર પહોંચ્યું હોવા છતાં કાયદેસરની સ્પષ્ટ કાર્યવાહી કે જવાબદારી નક્કી ન થતાં સમગ્ર મામલો હવે વધુ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ દુકાન બંધ કરાવવામાં આવી છે અને બીજી તરફ સંબંધિત વિભાગ પોતાની સત્તા ન હોવાનું કહી રહ્યો છે, જેના કારણે તંત્રની કાર્યવાહી અંગે લોકોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.હવે જોવાનું એ રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સ્થળ પર પહોંચ્યા બાદ ખરેખર શું કાર્યવાહી કરે છે અને ફરિયાદમાં કરવામાં આવેલા એક્સપાયરી માલના વેચાણના આક્ષેપોની તપાસમાં શું હકીકત સામે આવે છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!