દયાદરા હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્યને સાયબર ગઠિયાઓએ અલગ અલગ અધિકારીઓની ઓળખ આપી ડર બતાવી ડીઝીટલ એરેસ્ટ કરી ઠગ્યા હોવાની ઘટના પ્રકાશમા આવી છે.પ્રિન્સિપાલ ને ૨૦ દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂ.૬ લાખ પડાવી લેવામાં આવતા ભરૂચના શિક્ષણજગતમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.આચાર્યને પોલીસ-CBI-RBIના નામે ધમકાવી ગોલ્ડ લોન પણ લેવડાવવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.સાયબર ઠગાઈના કિસ્સાઓમાં હવે ગઠિયાઓ પોલીસ, CBI, RBI અને ટેલિકોમ વિભાગના અધિકારીઓ બની લોકોને ડરાવી ધમકાવી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. ભરૂચ તાલુકાના દયાદરા હાઈસ્કૂલના ઈન્ચાર્જ આચાર્યને પણ ગઠિયાઓએ આવી જ રીતે આશરે ૨૦ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટના નામે માનસિક દબાણ હેઠળ રાખી રૂ.૬ લાખ જેટલી રકમ પડાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મૂળ ભરૂચના અસુરિયા ગામના અને હાલ નબીપુરની ગરીબ નવાઝ સોસાયટીમાં રહતા ઇલ્યાસ યુસુફ પટેલ દયાદરા હાઈસ્કૂલમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નોકરી કરી રહયા છે.ગત ૧૧ ઓગસ્ટે ઇલ્યાસ પટેલ નબીપુરથી દયાદરા નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ નેહા અગ્રવાલ તરીકે આપી પોતે TRAI ના અધિકારી હોવાનું જણાવી તેમના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબરો બંધ કરવાની નોટિસ હોવાનું કહ્યું હતું.ત્યારબાદ ગઠિયાએ તેમના નામે અન્ય સિમકાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે તથા તે નંબર પરથી ખોટી પ્રવૃત્તિ થઈ હોવાની વાત કરી હતી.સાથે જ દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલી હોવાનું જણાવી ઇલ્યાસ પટેલને ડરાવ્યા હતા. ત્યારબાદ અન્ય એક શખ્સે પોલીસ અધિકારી રાજેશ પ્રધાન તરીકે ની ઓળખ આપી વાત કરી હતી.દરમિયાન થોડા સમય પછી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો.વીડિયો કોલમાં પોલીસ યુનિફોર્મમાં બેઠેલા અને પાછળ દિલ્હી પોલીસનો લોગો દેખાડતા શખ્સે પોતાની ઓળખ IPS સુનિલકુમાર ગૌતમ તરીકે આપી હતી. તેણે સંદીપકુમારના મની લોન્ડરિંગ કેસમાં રૂ. ૬ કરોડ ૮૦ લાખ ની તપાસ ચાલી રહી હોવાનું જણાવી ઈલ્યાસ પટેલના નામે રહેલા બેંક ખાતામાં રૂ.૬૮ લાખ જમા થયા હોવાનું કહી તે ખાતું રૂ.બે લાખમાં વેચી દીધું હોવાની વાત કરી હતી. ઉપરાંત CBI દ્વારા તમારી ધરપકડ કરવામાં આવી શકે છે તેવી ધમકી આપી વીડિયો કોલ મારફતે આચાર્ય ને ડરાવી ભયના ઓથાર હેઠળ રાખવામાં આવ્યા હતા.બેંક ખાતાથી ગોલ્ડ લોન સુધી પહોંચેલા ગઠિયાઓએ તેમના બેંક ખાતામાં રહેલી રકમની વિગતો મેળવી, તેમની મિલકત અને દાગીના અંગે પણ પૂછપરછ કરી હતી.ઈલ્યાસ પટેલે પોતાની પાસે ૧૦ તોલા સોનું હોવાનું જણાવતાં ગઠિયાઓએ સોનું વેચી દેવા દબાણ કર્યું હતું. અંતે તેમણે સોનું ગીરવે મૂકી ગોલ્ડ લોન લીધી અને મળેલી રકમ પણ ગઠિયાઓના જણાવ્યા મુજબના ખાતામાં જમા કરાવી દીધી હતી.સમગ્ર ઠગાઈનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રિન્સિપાલ ગત તા.૩૧ ઓગસ્ટની રાત્રે અખબાર વાંચી રહ્યા હતા ત્યારે ડિજિટલ એરેસ્ટના નામે એક વ્યક્તિ પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ થયાના સમાચાર વાંચ્યા હતા. સમાચાર વાંચ્યા બાદ પોતાની સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ થઈ હોવાની તેમને જાણ થઈ હતી.આખરે તેમણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષક જેવા ભણેલા-ગણેલા લોકો પણ સાઇબર ગઠિયાઓની જાળમાં ફસાતા હોય તો ઓછું ભણેલા અને અબુધ લોકોની સાથે શું થતું હશે..??? તે વિચારવું જ રહ્યું.
ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








