વાગરા ના પહાજ ગામે થયેલ હત્યા કેસમાં આસિફ મહંમદ પટેલને ઘટનાસ્થળે લઈ જઈ પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું.આ તબક્કે કાછિયા ફળિયામાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.વાગરા તાલુકાના પહાજ ગામે બનેલા ચકચારી વસીમશા ઈકબાલશા દીવાન હત્યા કેસમાં વાગરા પોલીસે તપાસ ની ગતિ તેજ કરી છે. કેસના મુખ્ય આરોપી આસિફ મહંમદ પટેલને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પહાજ ગામના કાછિયા ફળિયા ખાતે ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ સીનનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિના સમયે બનેલી હત્યાની ઘટનામાં આરોપીએ કથિત રીતે બનાવને કેવી રીતે અંજામ આપ્યો હતો તેની સમગ્ર ઘટનાક્રમની કડીઓ પોલીસ સમક્ષ રજૂ કરાવવામાં આવી હતી. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા ઘટનાસ્થળની સ્થિતિ,બનાવની સંભવિત પ્રક્રિયા તેમજ ગુનાને લગતી મહત્વની કડીઓ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન કાછિયા ફળિયામાં રી-કન્સ્ટ્રક્શન જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ચકચારી હત્યા કેસને લઈને સ્થાનિકોમાં ભારે કુતૂહલ સાથે રોષનો માહોલ પણ જોવા મળ્યો હતો.વાગરા પોલીસે સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરવા તેમજ હત્યા કેસની તપાસને મજબૂત બનાવવા માટે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

હવે રી-કન્સ્ટ્રક્શન બાદ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કયા નવા પુરાવા સામે આવે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા









