વાગરા ::જોલવાના ટી-કોર્નર પરથી ૧૩.૪ કિલો નશાકારક ગોળીઓ ઝડપાઈ, રૂ. ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)એ વાગરા તાલુકાના જોલવા ગામે દરોડો પાડી નશાકારક પદાર્થની ૧૩ કિલો ૪૦૦ ગ્રામ ગોળીઓ સહિત કુલ રૂ.૬.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન’ અંતર્ગત ANW દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીની આગેવાની હેઠળ ટીમો બનાવી નશાકારક પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.દરમિયાન ANWના એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ મહોબતસિંહને બાતમી મળી હતી કે વાગરા તાલુકાના જોલવા ગામે પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ સામે આવેલી ફિલાટેક્સ ચોકડી નજીકની ‘દેવ નારાયણ ટી કોર્નર’ નામની દુકાનમાં ગોવિંદ નામનો શખ્સ નશાકારક ગોળીઓનું વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોવિંદ શંકર રેબારી (ઉં.વ.૨૭), હાલ રહે. ગીતા પેલેસ, વેલકમ સોસાયટી પાસે, જોલવા, તા. વાગરા, મૂળ રહે. લુહારીયા, તા. માંડલ, જી. ભીલવાડા, રાજસ્થાન, પાસેથી તરંગ વિજયાવટી નામના નશાકારક પદાર્થની ગોળીઓ મળી આવી હતી.ગોવિંદ રેબારી આ ગોળીઓ રાજસ્થાનના દુધારામ નામના શખ્સ પાસેથી મંગાવી આર્થિક લાભ મેળવવાના ઇરાદે ગેરકાયદે રીતે છૂટક વેચાણ કરતો હતો. પોલીસે તેની પાસેથી ૧૩ કિલો ૪૦૦ ગ્રામ તરંગ વિજયાવટીની ગોળીઓ, જેની કિંમત રૂ.૬,૭૦,૦૦૦ થાય છે, તેમજ રૂ. ૨૫,૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આમ, કુલ રૂ.૬,૯૫,૦૦૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.આ કેસમાં દુધારામ નામનો શખ્સ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ શખ્સ હાલ ભેંસલી, તા. વાગરા, જી. ભરૂચ ખાતે રહેતો હોવાનું અને મૂળ રાજસ્થાનના લાછુડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ,ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે જોલવા જેવા ઔદ્યોગિક વિસ્તારમા આટલી મોટી માત્રામાં નશાકારક ગોળીઓ મળી આવતાં પોલીસની ભૂમિકા સામે શંકા સેવાઈ રહી છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!