જંબુસર ST ડેપોમાં ૧૭ હજાર લીટર ડીઝલની ઘટ ની વ્યાપક ચર્ચા, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કયારે..???

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર ST ડેપોમાં ૧૭ હજાર લીટર ડીઝલની મસમોટી ઘટ્ટ ની વ્યાપક ચર્ચાઓએ એસટી વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.ત્યારે જવાબદાર અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ દ્વારા છાવરવામા આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભરૂચ વિભાગના જંબુસર ST ડેપોમાં ઓડિટ દરમિયાન કથિત રીતે ૧૭ હજાર લીટર ડીઝલની ઘટ સામે આવી હોવાની ચર્ચાએ પરિવહન વિભાગ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી માત્રામાં ડીઝલની ઘટ સામે આવી હોવા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ નક્કર પગલાં ન લેવામાં આવ્યાના આક્ષેપો થતાં સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે.વિશ્વસનીય સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર,જંબુસર ડેપોમાં ઓડિટ દરમિયાન ડીઝલની મોટી ઘટ હોવાનું ધ્યાને આવ્યા બાદ આ બાબત ભરૂચ વિભાગના વિભાગીય નિયામકના ધ્યાન પર મૂકવામાં આવી હોવાનું કહેવાય છે.તો બીજી તરફ ડેપો મેનેજર સહિત સંબંધિત વિભાગીય યંત્રાલય, ભંડાર શાખા અને તપાસ-નિરીક્ષણની જવાબદારી સંભાળતા DTO તથા વહીવટી અધિકારી તેમજ હિસાબનીશ અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.૧૭ હજાર લીટર ડીઝલની આટલી મોટી ઘટ ઓડિટમાં સામે આવી હોય, તો ડીઝલનો હિસાબ ક્યાં ખૂટ્યો, જવાબદારી કોની છે, સ્ટોક રજિસ્ટર અને વપરાશના રેકોર્ડની ચકાસણી થઈ છે કે નહીં અને અત્યાર સુધી તપાસમાં શું બહાર આવ્યું છે, તેના સવાલોના સ્પષ્ટ જવાબ અત્રે મળવા જરૂરી છે.

નાના કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં, મોટા અધિકારીઓ પ્રત્યે કુણું વલણ કેમ?

આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન કાર્યવાહી અંગે ઊઠી રહ્યો છે. આક્ષેપો મુજબ, નાના કર્મચારીઓથી સામાન્ય ભૂલ થાય ત્યારે તેમની સામે તાત્કાલિક સસ્પેન્શન સહિતની કાર્યવાહીનો કોરડો વીંઝવામાં આવે છે, તો બીજી તરફ ૧૭ હજાર લીટર ડીઝલની કથિત ઘટ જેવા ગંભીર મામલામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થઈ નથી?, શું કોઈને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે? શું ડીઝલના જથ્થા, ખરીદી, વપરાશ અને સ્ટોકના રેકોર્ડની સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે? જો કાર્યવાહી થઈ હોય, તો તેની વિગતો જાહેર કેમ કરવામાં આવતી નથી?તેને લઈને પણ અનેક શંકા કૂશંકાઓ જન્મી રહી છે.

 તપાસમાં વિલંબથી શંકા વધુ ઘેરી બની

આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે સમગ્ર મામલામાં જવાબદારી નાના કર્મચારીઓ પર ઢોળવાનો પ્રયાસ થઈ શકે છે. ડેપોમાં ડીઝલના સંગ્રહથી લઈને તેના વિતરણ અને હિસાબ સુધીની પ્રક્રિયામાં જે અધિકારીઓની જે જવાબદારી હોય, તેમની ભૂમિકા પણ નિષ્પક્ષ રીતે તપાસવી જરૂરી છે.જો ડીઝલની ઘટ ખરેખર ઓડિટમાં નોંધાઈ હોય, તો ડીઝલ ક્યાં ગયું, ઘટ કેવી રીતે સર્જાઈ અને તેમાં કોઈની બેદરકારી કે ગેરરીતિ હતી કે નહીં, તે તમામ મુદ્દાઓની તથ્યાધારિત તપાસ થવી જોઈએ.

વિભાગીય નિયામક પાસે ન્યાયીક તપાસની માંગ ઉઠી

જંબુસર ડેપોમાં ડીઝલની ઘટ્ટ ની કથિત ઘટના મામલે ભરૂચ વિભાગના વિભાગીય નિયામક દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. તપાસમાં ડેપો મેનેજરથી લઈને સંબંધિત યંત્રાલય, ભંડાર શાખા અને નિરીક્ષણ-હિસાબની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની ભૂમિકા ચકાસવી જોઈએ.૧૭ હજાર લીટર ડીઝલની ઘટ મામલે દોષિતો સામે કડક ખાતાકીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ બુલંદ બની રહી છે.હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ વિભાગના અધિકારીઓ આ ગંભીર ગણાતા મામલે તપાસ અને જવાબદારી નક્કી કરવા શું પગલાં ભરે છે, કે પછી આટલી મોટી ડીઝલની ઘટનો મુદ્દો પણ ફાઈલોમાં જ દબાઈને રહી જશે?? તે જોવું રહ્યું.

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!