વાગરા તાલુકાના સુવા અને અંભેટા ગામના જમીન ગુમાવનાર (લેન્ડલુઝર) ખેડૂત પરિવારો દ્વારા રોજગારીના મુદ્દે OPaL કંપની સામે ફરી એકવાર આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે. OPaL કંપનીના ગેટ નં. ૧ બહાર અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો દ્વારા શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે જમીન સંપાદન સમયે જમીન ગુમાવનાર ખેડૂત ખાતેદારો તેમજ તેમના કાયદેસર વારસદારોને સર્વે નંબર દીઠ કાયમી રોજગારી આપવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ આશરે ૧૫ વર્ષનો લાંબો સમય વીતી જવા છતાં અનેક અસરગ્રસ્ત પરિવારોને કાયમી રોજગારી મળી નથી, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

લેન્ડલુઝર પરિવારોનું કહેવું છે કે ઔદ્યોગિક વિકાસ માટે તેમની ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જમીન ગુમાવ્યા બાદ પરિવારના સભ્યોને કાયમી રોજગારી મળશે તેવી આશા રાખવામાં આવી હતી. જોકે વર્ષો વીતી ગયા છતાં રોજગારીનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી હવે અસરગ્રસ્ત પરિવારો ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા છે.

ભારે ગરમી અને તડકાની પરવા કર્યા વિના અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો સ્થળ પર બેસી રહ્યા હતા.ધરણાં માટે મંડપ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ પોલીસ દ્વારા મંડપ બાંધવાની મંજૂરી આપવામાં આવી ન હોવાનો ધરણાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. તેમ છતાં મંડપ વિના પણ અસરગ્રસ્તોએ પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો હતો.

ધરણાર્થીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, GIDC તથા OPaL કંપની મેનેજમેન્ટ સમક્ષ જમીન ગુમાવનાર ખેડૂત ખાતેદારો અને તેમના કાયદેસર વારસદારોને રોજગારી આપવાની મુખ્ય માંગ કરવામાં આવી છે.અસરગ્રસ્તોનું કહેવું છે કે તેમની માંગ કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ જમીન સંપાદન સમયે આપવામાં આવેલી લેખિત બાંહેધરીના અમલ સાથે જોડાયેલી છે. સુવા અને અંભેટા ગામના લેન્ડલુઝર પરિવારોને રોજગારીની તક આપવામાં આવે તેમજ આ અંગે સ્પષ્ટ અને સમયબદ્ધ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉ પણ GIDC, OPaL મેનેજમેન્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં રોજગારીનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાના કારણે ફરીથી ધરણાં-પ્રદર્શનનો માર્ગ અપનાવવો પડ્યો છે.ધરણાર્થીઓએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી રોજગારીના પ્રશ્ને ન્યાયસંગત અને સ્વીકાર્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી લોકશાહી અને અહિંસક રીતે વિરોધ તથા રજૂઆત ચાલુ રાખવામાં આવશે.









