રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર આણંદ સ્થિત ‘ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળી’ ખાતે ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારને સાકાર કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપીકાબેન પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ અગ્રણી સંજયભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી રમણભાઈ સોલંકી અને કમલેશભાઈ પટેલએ ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળીમાંથી ખાદીની વિવિધ ગુણવત્તાસભર બનાવટોની ખરીદી કરીને સમાજને સ્વદેશી અપનાવવાનો એક પ્રેરણાદાયી અને સકારાત્મક સંદેશ આપ્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, ખાદી એ માત્ર એક વસ્ત્ર નથી પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નનું પ્રતીક છે. ઓક્ટોબર માસ દરમિયાન ખાદી ભંડાર તરફથી આપવામાં આવી રહેલા વિશેષ ડિસ્કાઉન્ટનો મહત્તમ લાભ લઈ દરેક નાગરિકે ખાદીની ખરીદી કરવી જોઈએ. સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડતા ગ્રામોદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા અને બાપુના વિચારોને જીવંત રાખવા માટે ખાદી ખરીદીને દરેક વ્યક્તિ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી અપીલ પણ તેમણે કરી હતી.આ પ્રસંગે મનપાના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો હાજર રહ્યાં હતાં.

ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ









