આમોદ તાલુકાના બોડકા ગામે પઢિયાર પ્રકાશભાઈ ઉદેસંગભાઈના મકાનના બીજા માળે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે મકાનના વાયરિંગને ઝપેટમાં લેતા ભારે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગની ગરમીના કારણે ઘરની બારીના કાચ પણ તૂટી ગયા હતા.આગના કારણે કાળા ધુમાડાના વાદળો છવાઈ જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડોલ દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

દરમિયાન ઘટનાની જાણ આમોદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપી કામગીરી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતા આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, મકાનના બીજા માળે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગની ઘટનાને પગલે બોડકા ગામમાં થોડા સમય માટે ચહલ પહલ તેજ બની જવા પામી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ ,આમોદ









