આમોદમાં વરસાદી પાણી ભરાતા રસ્તો તળાવમા ફેરવાતા વિદ્યાર્થીઓ પાણીમાં રહીને શાળાએ જવા મજબૂર બન્યા છે.આમોદ નગરમાં BSNL કચેરી નજીક પુરસા નવીનગરી મિશ્ર શાળા-૨ પાસે વરસાદી પાણીનો ભરાવો થતા પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. વરસાદ પડતાની સાથે જ સમગ્ર વિસ્તાર તળાવમાં ફેરવાઈ ગયો હતો.

પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે લાંબા સમય સુધી ગંદુ પાણી રસ્તા પર જ ભરાઈ રહે છે.પરિણામે સ્કૂલે આવતા જતા નાનાં-નાનાં વિદ્યાર્થીઓને કાદવ અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકોમાં ભારે રોષ વચ્ચે વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે સ્થળની મુલાકાત લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે વરસાદી પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, છતાં જવાબદાર તંત્ર નું પેટનું પાણી પણ હાલતું નથી. બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે આ પ્રકારની બેદરકારી કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં.વધુમા ઉમેર્યુ હતું કે પાલિકા દ્વારા તાકીદે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો નાગરિકોના હિતમાં વધુ ઉગ્ર લડત અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આમોદ પાલિકાએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ લાઇન, ગટર અને ઢાળની વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી બની છે. શાળા વિસ્તાર હોવાથી બાળકોની સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપીને રસ્તા પર ભરાતું પાણી દૂર કરવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ, આમોદ
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








