કડોદરા ગામે ગ્રામસભા ફરી વિવાદીત બની :: સરપંચની ગેરહાજરી, વિકાસના કામોમાં પક્ષપાત, ગંદકી અને ગ્રામજનોની અરજીઓના નિકાલ મુદ્દે ઉઠ્યા ગંભીર સવાલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના કડોદરા ગામે ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભા ફરી એકવાર વિવાદના વમળોમાં ઘેરાઈ હતી. ગ્રામસભા દરમિયાન સરપંચની ગેરહાજરી, અધ્યક્ષપદ, ગામના વિકાસના કામોમાં કથિત પક્ષપાત, ગંદકીની સમસ્યા, ગૌચર જમીનના ઉપયોગ સહિત વિવિધ પ્રશ્નોને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, છેલ્લા બે ગ્રામસભામાં સરપંચ હાજર ન રહેતા સરપંચની પેનલના પંચાયત સભ્યને અધ્યક્ષ સ્થાને બેસાડવામાં આવતા હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ સભ્યો દ્વારા પક્ષપાતપૂર્ણ રીતે કાર્યવાહી થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.દરમિયાન સરપંચની વિરોધી પેનલના સભ્યને અધ્યક્ષ સ્થાને બેસાડવાની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની અધ્યક્ષતામાં ગ્રામસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.વિકાસના કામોમાં કથિત પક્ષપાતનો આક્ષેપ ગ્રામસભામાં ગામના વિકાસના કામોને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ પંચાયત દ્વારા કરોડો રૂપિયાના વિકાસકામો કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામના કેટલાક વિસ્તારો હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિકાસના કામો જરૂરિયાતના આધારે કરવાને બદલે રાજકીય અથવા વ્યક્તિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હોવાની સ્થિતિ જોવા મળે છે. જ્યાં ખરેખર વિકાસની જરૂરિયાત છે ત્યાં સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક વિકાસકામો હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી.સરપંચ ગામમાં હાજર ન રહેતા હોવાનો મુદ્દો ગ્રામસભામાં ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરપંચ કડોદરા ગામમાં કાયમી વસવાટ કરતા નથી અને ભરૂચ ખાતે રહેતા હોવાના કારણે ગ્રામજનોને તાત્કાલિક સમસ્યાઓ વખતે સંપર્ક કરવામાં મુશ્કેલી પડે છે.

જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ કેટલાક ગ્રામજનોના ફોન નંબર સરપંચના મોબાઈલમાં રિજેક્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યા હોવાના કારણે તેમની સાથે ટેલિફોનિક સંપર્ક થઈ શકતો નથી. કુદરતી આફત, અકસ્માત અથવા અન્ય આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સરપંચનો સંપર્ક ન થઈ શકતા વહીવટી તંત્રને જાણ કરવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ પણ ગ્રામસભામાં  નાગરિકો થકી કરવામાં આવ્યો હતો.અરજીઓના નિકાલ અંગે પણ ગામલોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલીક અરજીઓમાં અરજદારોને લેખિત જવાબ આપવામાં આવે છે, પરંતુ સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ અલગ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.ગૌચર જમીન ઉપર કથિત રીતે ગેરકાયદેસર રસ્તાઓનો ઉપયોગ, વૃક્ષો કાપવાની ઘટનાઓ, પાણીની સમસ્યા તથા અન્ય સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી.

ગ્રામજનોએ સફાઈ નો મુદ્દો ઉઠવાવ્યો

અત્રે નોંધનીય છે કે ગ્રામસભામાં ગામની સફાઈ વ્યવસ્થાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં અનેક સ્થળોએ ગંદકી જોવા મળે છે અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ થોડા સમય પછી બંધ થઈ ગઈ હતી.કંપની દ્વારા ગ્રામ પંચાયતને ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે કેટલાક વર્ષો અગાઉ વાહન આપવામાં આવ્યું હોવા છતાં તેનો નિયમિત ઉપયોગ થતો ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગામમાં સ્વચ્છતા વ્યવસ્થા ફરી અસરકારક રીતે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

વિપક્ષના સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત

ગ્રામ પંચાયતના સભ્યના પતિ દ્વારા ગ્રામસભામાં રજૂઆત કરતાં જણાવાયું હતું કે વિપક્ષના ત્રણ સભ્યો દ્વારા અત્યાર સુધી કોઈપણ વિકાસકામનો વિરોધ કરવામાં આવ્યો નથી અને વિકાસકામોમાં સહમતિ આપવામાં આવી હોવા છતાં તેમના વોર્ડમાં પૂરતા વિકાસકામો કરવામાં આવ્યા નથી.તેમના જણાવ્યા મુજબ દરેક ગ્રામસભા અને સામાન્ય સભામાં પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી યોગ્ય વિકાસકામો કરવામાં આવ્યા નથી. જો જરૂરિયાતવાળા વિસ્તારોમાં વિકાસકામો નહીં કરવામાં આવે તો અન્ય સ્થળે થતા વિકાસકામો સામે વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

અંતે સરપંચ ટેલિફોનિક માધ્યમથી ગ્રામસભામાં જોડાયા

ગ્રામસભાના અંતિમ તબક્કામાં ગ્રામજનો દ્વારા સરપંચ સામે કરવામાં આવેલા વિવિધ આક્ષેપો અને પ્રશ્નો અંગે તલાટી-કમ-મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરપંચને ટેલિફોનિક રીતે સ્પીકર પર જોડીને ગ્રામજનો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી.હવે ગ્રામસભામાં થયેલી આ તમામ રજૂઆતો અંગે ગ્રામ પંચાયત તથા સંબંધિત વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને ગ્રામજનોના પ્રશ્નોનું કેટલા સમયમાં નિરાકરણ આવે છે તેના પર સૌની નજર રહેલી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!