વાગરાના મુલેર નજીક સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે રાહદારીને કચડી યમસદન પહોંચાડ્યો હતો. વાગરા તાલુકાના મુલેર–દહેજ હાઇવે પર આવેલ ચોગ્લે સોલ્ટ કંપની નજીક હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો.બેફામ ગતિએ દોડી રહેલી સિલ્વર રંગની કારના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ કારચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, ત્રાંકલ ગામના રહેવાસી રમેશભાઈ રણછોડભાઈ ભાલીયા ત્રાંકલ પાટિયા નજીક આવેલી કેબિન પાસેથી ચોગ્લે સોલ્ટ કંપની તરફ કુદરતી હાજતે ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી એક સિલ્વર કલરની કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રમેશભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના બાદ કારચાલક પોતાની ઓળખ છુપાવવા વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.મૃતકના ભાઈ દરશનભાઈ રણછોડભાઈ ભાલીયાની ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય તપાસના આધારે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. બેફામ અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
Loading Viewer...
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









