આમોદ DGVCLના કર્મીએ જીવના જોખમે કેડ સમા પાણીમાં આવેલ પોલ પર ચઢી અનેક ગામોનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ DGVCLના કર્મચારીએ જીવના જોખમે કેડ સમા પાણીમાં આવેલ વીજપોલ પર ચઢી અનેક ગામોનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો.આ તબક્કે વીજ કંપની ના ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરે સ્થળ પર પહોંચી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે આમોદ ડીજીવીસીએલની ટીમે જીવના જોખમે ફરજ બજાવી સરાહનીય કામગીરી કરી હતી.

પહાજ–ગેલ માર્ગ પર કમર સમા પાણી અને ઝાડી-ઝાંખરા વચ્ચે ઉતરી વીજ લાઇનનો ફોલ્ટ શોધી દૂર કરતા અનેક ગામોમાં ફરી વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાયો હતો.વીજળી મળતા લોકોએ વીજ કર્મીઓનો આભાર માનવા ની સાથે રાહતનો શ્વાસ લીધો હતો.વરસાદ ની મોસમ માં વીજ કંપનીના કર્મચારીઓની અગ્નિ પરીક્ષા થતી હોય છે.એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી તરફ વીજ સમસ્યાનું નિરાકરણ કરવા કર્મચારીઓ કામે લાગતા હોય છે. ગતરોજ ભારે વરસાદ વચ્ચે વાગરાથી ગેલ ફીડર તરફ જતી વીજ લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સતત વરસાદ અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ છતાં આમોદ ડીજીવીસીએલની ટીમ ફોલ્ટવાળી જગ્યાએ પહોંચી હતી.એલ.આઈ. કાંતિભાઈની ટીમના હેમંત પરમાર,હેમંત સોલંકી અને સિદ્ધાર્થભાઈ વીજ સમસ્યાના નિવારણ માં કામે લાગ્યા હતા.ફોલ્ટ મળી જતા તેને દુરસ્ત કરવા સિદ્ધાર્થભાઇ કમર સુધીના પાણીમાં ઉતરી અને ઝાડી-ઝાંખરા વચ્ચેથી પસાર થઈ પોલ પર ચઢયા હતા. તેમની કર્તવ્ય નિષ્ઠા અને હિંમતના કારણે વીજ સમસ્યાનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ.કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા ડેપ્યુટી એન્જિનિયર વી.ટી. પટેલ અને જુનિયર એન્જિનિયર દર્શનભાઈ પ્રજાપતિ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.તેમણે ટીમને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.વીજ પુરવઠો પુનઃ શરૂ થતા ગેલ ફીડર હેઠળ આવતા અનેક ગામોના લોકોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી હતી.સતત વરસાદ વચ્ચે ડીજીવીસીએલના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીની સ્થાનિક ગ્રામજનો તથા સરપંચોએ પણ ખુલ્લા દિલે સરાહના કરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!