સાયખા GIDCની પરમ કેમિકલ કંપનીના કર્મચારીએ કેબલ વાયર વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લેતા ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.વાગરા તાલુકાની સાયખા GIDC ની પરમ કેમિકલ કંપની કેમ્પસમાં આશાસ્પદ યુવા કર્મીએ જીવનલીલા સંકેલી લીધી હતી. યુવાન કર્મીના મોતથી ભારે ચકચાર મચી જવા પામી છે. પરમ કેમિકલ કંપનીમાં કામ કરતા અને કંપનીના કેમ્પસમાં જ રહેતા ૨૫ વર્ષીય કર્મચારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર કંપની તેમજ શ્રમિક વર્ગમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહિત પાંડેય બ્રુજેન્દ્રકુમાર ઉં.વ.૨૫ પરમ કેમિકલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.અને કંપની સંકુલમાં જ રહેતો હતો.કોઈ અગમ્ય કારણોસર તેમણે કંપનીના એડમિન ઓફિસની બાજુમાં આવેલી રૂમમાં પંખા સાથે કેબલ વાયર વડે ગળેફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવી દીધી હતી .ઘટનાની જાણ થતાં કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.વાગરા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી હતી.બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ ઘરેલુ સામાજિક સમસ્યાઓ હોવાની ચર્ચાઓ તેજ બની રહી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા









