ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની જાહેર જનતાને અપીલ :: ભારે વરસાદની સ્થિતિમાં જળાશયો અને ઓવરટોપિંગ ધરાવતા માર્ગોથી દૂર રહેવુ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને ભારે વરસાદની સ્થિતિમાં જળાશયો અને ઓવરટોપિંગ ધરાવતા માર્ગોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.નદી, તળાવ, નહેર, દરિયા કે ડેમ જેવા વધુ જળસંગ્રહ વાળા સ્થળોએ નાહવા કે પ્રવેશ કરવા પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં હાલ થઈ રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને જાહેર સલામતી માટે અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

વરસાદની સ્થિતિમાં જિલ્લાની નદીઓ, તળાવો, નહેરો (કેનાલ), દરિયા કિનારા, ડેમ તેમજ ચેકડેમ જેવા વિસ્તારોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. વધુ પ્રમાણમાં જળસંગ્રહ ધરાવતા આવા તમામ જળાશયો અને જોખમી સ્થળોએ નાહવા પડવા, સેલ્ફી લેવા કે અન્ય કોઈ પણ કારણોસર પ્રવેશ ન કરવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.વધુમાં, દરિયા ખેડુઓ ને હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી વિવિધ સૂચનાઓને અનુસરીને જ દરિયો ખેડવા માટે ભલામણ કરવામાં આવી છે.

પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિ અને દરિયામાં ઉછળતા ઊંચા મોજાં તેમજ તેજ પવનની ગતિને ધ્યાને રાખીને માછીમારોને આપવામાં આવતી એડવાઈઝરીને અનુસરવા સાથે સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્રને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.આ ઉપરાંત, ભારે વરસાદને કારણે જિલ્લાના જે માર્ગો કે કોઝવે પર પાણી ફરી વળ્યા હોય (ઓવરટોપિંગ થતું હોય), તેવા રસ્તાઓ પરથી પસાર ન થવા અને વાહનો ન ચલાવવા તાકીદ કરાઈ છે. પાણીના વહેણને હળવાશથી ન લેતાં, નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને વહીવટીતંત્ર દ્વારા મુકવામાં આવેલા સાઇનબોર્ડ કે સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!