જંબુસર થી ભરૂચ જતી એસટી બસમાં મહિલા કંડકટર ની મુસાફર ને બસમાંથી ઉતારી દેવાની ધમકી થી બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.જંબુસરથી ભરૂચ જતી એસટી બસમાં મહિલા કંડક્ટર દ્વારા ટીકીટ બાબતે રકઝક થતા મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપવાનો કિસ્સો સામે આવતા મુસાફરોમાં ઉક્ત મહિલા કંડકટર વિરુદ્ધ ભારે આક્રોશ છવાઈ જવા પામ્યો છે.સાથે જ આવા બેહૂદુ વર્તન દાખવનાર કંડકટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ થઈ છે. મુસાફરોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરતા મહિલા કંડકટર છાશવારે મુસાફરો સાથે તોછડું અને અપમાનજનક વર્તન કરતા હોવાની પણ અનેક ફરિયાદો સપાટી પર આવી છે.

ઉલ્લેખનીય છે કે એસટી બસ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે,જ્યાં દરેક મુસાફર સન્માનજનક વ્યવહારનો હકદાર છે.જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા એસટી કંડકટર વિરુદ્ધ જાગૃત મુસાફરે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.જે અનુસાર જંબુસર થી ભરૂચ જતી જીજે ૧૮ ઝેડ ૭૯૩૪ નંબર ની બસમાં મુસાફરે એસટી બસમાં મહિલા બસ કંડકટર પાસે ટીકીટ માંગતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.અને અસભ્ય અને તોછડું વર્તન કરી મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપી હતી.વધુમાં કંડકટર બધા પેસેન્જરો ની વચ્ચે એલફેલ ભાષામાં જેમ તેમ બકવાસ કરવા લાગ્યા હતા.તેઓએ ટીકીટ માંગનાર મુસાફરને ટીકીટ પણ આપવાનો નન્નો ભણી દીધો હતો.સાથે જ દ્રાઈવર ને કહી બસમાંથી નીચે ઉતારી દો.તેવી શેખી પણ મારી હતી.ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે એસટી બસ એ કંડકટર ના બાપ ની પોતીકી જાગીર છે….??? મુસાફરો છે તો એસટી ચાલે છે અને કંડક્ટરો ને પગાર મળે છે.આવા ઉડીને ધુમાડે ફાટેલા માથાભારે કંડક્ટર પોતે મહિલા હોવાથી પુરુષ મુસાફરો સાથે મહિલા ની આડમાં રોફ જાળી રહયા છે.અને મુસાફરોને હડધૂત કરી રહયા છે.આવા માથાભારે અને મુસાફરો ને રંજાડનાર સદર મહિલા બસ કર્મી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાય તે માટે મુસાફર દ્વારા ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદની સાથે મહિલા બસ કાંડક્ટરનો દાદાગીરી કરતો વિડીઓ પણ ઉચ્ચ અધિકારીને મોકલવમાં આવ્યો છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે એસટી તંત્ર તરફ મુસાફરો આકર્ષાય અને ખાનગી વાહનો ને બદલે મુસાફરો એસટી બસનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે GSRTC દ્વારા કમર કસવામાં આવી રહી છે.ત્યારે આવા નફ્ફટ કર્મચારીઓ એસટીની ઘોર ખોદવા તલપાપડ થયા હોય તેમ નથી લાગી રહ્યું……?????









