ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.જેમાં ભરૂચમાં રોડ સેફ્ટી વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેકટરે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર ડૉ. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદ્રઢ બને અને અકસ્માતોમાં ઘટાડો થાય તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકની કાર્યવાહી નોંધ મુજબ વિવિધ મુદ્દાઓ પર થયેલ કામગીરીના એકશન ટેકન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતાં ઝાડેશ્વર વિસ્તારમા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તથા ભારે વાહનોના અવરજવરથી સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી.

આ સાથે પાલેજ એન.એચ.૪૮ બ્રીજ નિચે ભરૂચથી ઝાડેશ્વર જતા વાહનો માટે કટ આપવાની કામગીરી, લુવારા પાટીયા પાસેના ઓવર બ્રિજ બાબત, અંકલેશ્વરમાં અમરાવતી ખાડી પર સાઈન બોર્ડ અને રબ્બર સ્ટ્રીપ મારવની કામગીરી, વર્ષા હોટલ પાસે યુ-ટર્ન કાયમી બંધ કરવા તેમજ વાહનોની ગતિ મર્યાદા કરવા રબ્બર મોડ સ્ટ્રીપ તેમજ માર્કિંગ પણ કરવા વગેરે બાબતો પર સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.ઉક્ત બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા રોડ એન્જિનીયરીંગને લગતા પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લાના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત અપેટ્રોલિંગ અને માર્ગ સલામતીને લગતા કાયદાઓનું પાલન કરાવવા કલેક્ટરે દિશાનિર્દેશો આપ્યા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ









