વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા વિલાયત GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઓપરેશન પાર પાડી ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે.

વિલાયત GIDCમાં આવેલી અલકેમી કંપનીને નિશાન બનાવી, ત્યાંથી કિંમતી કોપરના કેબલની સરેઆમ ચોરી કરનારી ત્રિપુટી આખરે પોલીસના સકંજામાં આવી ગયા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઈમ્તિયાઝ બશીર રાજ, અરબાઝ કાસમ રાજ અને આદિલ સાદીક મલેક તમામ રહેવાસી-વાગરાનો સમાવેશ થાય છે. આ તસ્કરો ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની ફિરાકમાં હતા, ત્યારે જ આંકોટ બસ સ્ટેન્ડ નજીક પોલીસે વોચ ગોઠવી તેઓને આબાદ ઝડપી લીધા હતા.આરોપીઓ GJ-16-AT-9864 નંબરની રિક્ષામાં ચોરીનો જથ્થો ભરીને ભાગી રહ્યા હતા, ત્યારે પોલીસે તેઓને આંતરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.પોલીસની કડક અને સઘન પૂછપરછમાં આ શાતિર તસ્કરોએ પોપટની જેમ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, આશરે દશેક દિવસ પહેલા રાત્રીના અંધકારનો લાભ લઈ તેઓએ અલકેમી કંપનીમાંથી આ કેબલની ચોરી કરી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાના ડરથી તેઓએ GIDC વિસ્તારમાં જ આવેલી બાવળની ગીચ ઝાડીઓમાં આ વાયરો સળગાવી દીધા હતા. અને પ્લાસ્ટિક અલગ કરી માત્ર કોપરનો જથ્થો ત્યાં છુપાવી રાખ્યો હતો. આજે તેઓ આ ચોરીનો માલ રિક્ષામાં ભરી વાગરા તરફ વેચવા માટે જઈ રહ્યા હતા.

તે દરમિયાન જ પોલીસે લાલ આંખ કરી તેઓને દબોચી લીધા હતા. પોલીસ તંત્રએ આરોપીઓ પાસેથી ૩ ઠેલામાં ભરેલો આશરે ૧૧૫ કિલોગ્રામ કોપરના વાયરનો જથ્થો જેની કિંમત ૧,૧૫,૦૦૦ થાય છે તે, ૧,૦૦,૦૦૦ ની કિંમતની ગુનામાં વપરાયેલી રિક્ષા અને ૫,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ ૨,૨૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને આ ટોળકી અન્ય કેટલી ચોરીઓમાં સામેલ છે તે દિશામાં કડક તપાસ હાથ ધરી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








