વાગરામાં વહીવટી પરિવર્તન, મામલતદાર અને P.I. ની સાગમટે બદલી, નવા અધિકારીઓની નિમણૂંક કરાઇ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકારના મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા રાજ્ય સ્તરે હાથ ધરવામાં આવેલી વહીવટી ફેરબદલની સીધી અસર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા પર જોવા મળી છે. વાગરાના વહીવટી અને સુરક્ષા તંત્રના બે મુખ્ય સ્તંભ સમાન મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટરની એકસાથે બદલી થતાં સ્થાનિક રાજકારણ અને વહીવટી આલમમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલ અધિસૂચના મુજબ, વાગરામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન જી. પટેલની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. તેઓને હવે વડોદરા કલેક્ટર કચેરી ખાતે Mamlatdar-PSO-IORA તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

તેમની ખાલી પડેલી જગ્યા પર નર્મદા જિલ્લાના નાયબ મામલતદાર વિરલકુમાર ઉમંગભાઈ વસાવાને મામલતદાર સંવર્ગમાં બઢતી આપીને વાગરાના નવા મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, સુરક્ષા વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ગોહિલની બદલી ભાવનગર ખાતે કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરોની આ બદલીના આદેશમાં તેઓની ભાવનગર ખાતે કરવામાં આવી છે. આમ, વાગરા તાલુકામાં મહેસૂલ અને પોલીસ એમ બંને મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓનો પદભાર સંભળાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સ્થાનિક વહીવટી તંત્રમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જે આગામી સમયમાં વહીવટી કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર નવી અસર પાડશે.

વાગરામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મીનાબેન પટેલની બદલીના સમાચારથી સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. એક મહિલા અધિકારી હોવા છતાં, તેઓએ પોતાની અઢી વર્ષની કાર્યકાળ દરમિયાન જે નિડરતા અને દૃઢ મનોબળ બતાવ્યું છે તે કાબિલે તારીફ છે. ખાસ કરીને વાગરા પંથકમાં સક્રિય ખનીજ માફિયાઓ સામે તેઓએ લાલ આંખ કરી કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેનાથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમની કાર્યશૈલીમાં માત્ર શિસ્ત જ નહીં, પણ પારદર્શિતા અને ન્યાયપ્રિયતાનો પણ સંગમ જોવા મળતો હતો, જેના કારણે વહીવટી આલમ અને પ્રજામાં તેઓની ભારે પ્રશંસા થતી હતી. અંદાજે અઢી વર્ષ સુધી વાગરાના વિકાસ અને કાયદો-વ્યવસ્થામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યા બાદ, તેમની ઓચિંતી બદલી થતાં કચેરીના સ્ટાફ સહિત સામાન્ય જનતામાં પણ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક બાહોશ અધિકારીની વિદાયથી વાગરાના વહીવટી તંત્રમાં એક મોટી ખોટ વરતાશે.

વાગરા પોલીસ સ્ટેશનમાં માત્ર 4 થી 5 મહિના જેટલો અલ્પ સમય વિતાવવા છતાં, પી.આઈ. એચ.બી. ગોહિલ પોતાની કાર્યક્ષમતા અને બાહોશીથી સમગ્ર પંથકમાં લોકચાહના મેળવી ગયા છે. તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન વાગરા પંથકમાં બનેલા હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર અને સનસનીખેજ ગુનાઓમાં તેઓએ રાત-દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગુનાઓનું આટલું ઝડપી અને સચોટ ડિટેક્શન તેમની વ્યાવસાયિક સૂઝબૂઝ અને પોલીસ તંત્ર પરની મજબૂત પકડનો પુરાવો આપે છે. તેમની આ કામગીરીને કારણે સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જાગ્યો હતો, ત્યારે હવે તેમની એકાએક થયેલી બદલીના સમાચારથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક કુશળ અને નિષ્ઠાવાન અધિકારીની વિદાયથી વાગરા પોલીસ તંત્રમાં ચોક્કસપણે એક મોટી ખોટ વરતાશે.

વાગરા તાલુકાના વહીવટી અને સુરક્ષા તંત્રના બે મજબૂત સ્તંભ સમાન મામલતદાર મીનાબેન પટેલ અને પી.આઈ. એચ.બી. ગોહિલની એકસાથે બદલી થતા સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને ચર્ચાઓ જોવા મળી રહી છે. એક તરફ મીનાબેન પટેલે અઢી વર્ષના લાંબા ગાળા દરમિયાન ખનીજ માફિયાઓ સામે લોખંડી હાથે કામગીરી કરી વહીવટી શિસ્તનો પરિચય આપ્યો હતો, તો બીજી તરફ પી.આઈ. એચ.બી. ગોહિલે માત્ર 4-5 મહિનાના ટૂંકા ગાળામાં જટિલ ગુનાઓનું ત્વરિત ડિટેક્શન કરી સુરક્ષા વ્યવસ્થાને નવી ઊંચાઈ આપી હતી. વહીવટી કુશળતા અને પોલીસ દળની નિષ્ઠાનો આ સંગમ હવે વાગરામાંથી વિદાય લઈ રહ્યો છે. આ બંને અધિકારીઓની કાર્યશૈલી અને જનતા પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેઓની ખોટ ચોક્કસ વર્તાશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!