વાગરાના દહેજની SRF કંપનીના કર્મચારી સાથે KYC ના બહાને ૯.૧૨ લાખની ડિજિટલ ઠગાઈનો કિસ્સો નોંધાયો હતો.પોલીસે ફરિયાદ નોંધી ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ભરૂચના યુવકના મોબાઈલનો એક્સેસ મેળવી ગઠિયાઓએ ૯ લાખથી વધુની રકમ સેરવી લીધી હતી.ભરૂચ જિલ્લામાં સાયબર માફિયાઓ ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. વાગરા તાલુકાની દહેજ GIDCમાં આવેલી SRF કંપનીનો એક કર્મચારી સાયબર ઠગાઈનો ભોગ બન્યો છે.

ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા અને કંપનીમાં મિકેનિકલ ટેકનિશિયન તરીકે ફરજ બીજાવતા તુષાર ચંપકલાલ મહેતાને એક અજાણ્યા કોલે લાખોનો ફટકો માર્યો છે. ગત તા.૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સાયબર ગઠિયાએ અત્યંત વ્યવસ્થિત રીતે જાળ બિછાવી હતી. ફોન કરનારે પોતાની ઓળખ HDFC બેંકના મેનેજર દિલીપ રાજન તરીકે આપી હતી. અને અત્યંત પ્રોફેશનલ વાતચીત દ્વારા તુષારભાઈને વિશ્વાસમાં લીધા હતા. તેમના બેંક ખાતાનું KYC અપડેટ કરવું અનિવાર્ય છે.તેમ જણાવી ગઠિયાએ દસ્તાવેજોની માંગણી કરી હતી, સાથે જ ટેકનોલોજીનો ઘાતક ઉપયોગ પણ કર્યો હતો.ભોગ બનનાર કંપની કર્મી પાસે વોટ્સએપ પર આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા મંગાવ્યા બાદ તેમને HDFCBank.Apk નામની એક ફાઈલ મોકલવામાં આવી હતી. તુષારભાઈએ વિગતો ભરવા માટે આ ફાઈલ ખોલી કે તરત જ તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ હેકર્સના હાથમાં આવી ગયું હતું.ઓનલાઇન લોન અને ખાતામાંથી રોકડ, સાયબર ઠગોએ ભરૂચના યુવકને બેવડો ફટકો માર્યો હતો. ડિજિટલ ઘૂસણખોરીના ગણતરીના સમયમાં જ, સાયબર ગઠિયાએ પીડિતના બેંક ખાતામાંથી રોકડ ૨.૭૪ લાખ તફડાવી લીધા હતા. આટલેથી ન અટકતા, તેમણે પીડિતના નામે ઓનલાઇન પર્સનલ લોનની પ્રક્રિયા હાથ ધરી ૬.૬૨ લાખની લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમમાંથી પણ ૬.૩૭ લાખ વિવિધ અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. કુલ મળી ૯.૧૨ લાખની છેતરપિંડી થતા તુષારભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં NCCRP પોર્ટલ પર મદદ માંગ્યા બાદ, રકમ પરત મળવાની આશા ધૂંધળી જણાતા આખરે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









