વાગરાના પીપલીયા ગામે પૌત્રના વિવાદમાં દાદાની હત્યાથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પોલીસે ત્રણેય હત્યારાઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા.વાગરા તાલુકાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપવો એક વૃદ્ધ દાદા માટે કાળ સાબિત થયો છે. ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ થયેલા લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, આ મામલે વાગરા પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે.

બનાવની વિગત અનુસાર ગત તારીખ ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી સર્જાઈ હતી. ફરિયાદી સોમાભાઈ મગનભાઈ રાઠોડનો પૌત્ર જગદીશ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગામના જ ત્રણ શખ્સો તેને સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ ૬૦ વર્ષીય સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. અને હુમલાખોરોને શાંત રહેવા સમજાવતા પૂછ્યું હતું કે, તમે મારા પૌત્રને કેમ ગાળો બોલીને મારો છો? આટલો ઠપકો આપતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે વૃદ્ધ સોમાભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. વૃદ્ધને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.જોકે શરૂઆતમાં ગામમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ બીજા દિવસે સોમાભાઈને અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા ડોક્ટરોએ તેમને વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જીવન અને મરણ વચ્ચેની જંગ લડ્યા બાદ આખરે સોમાભાઈએ દમ તોડી દીધો હતો.વાગરા પોલીસે શરૂઆતમાં આ મામલે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ વૃદ્ધનું મોત થતા જ તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો હતો. અને ફરિયાદમાં હત્યાની કલામનો ઉમેરો કરવામાં આવ્યો હતો. વાગરા પોલીસની ટીમે અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી આ ત્રણેય હત્યારાઓને આખરે દબોચી લીધા છે.

વાગરા પોલીસે પીપલીયા ગામના વૃદ્ધ સોમાભાઈ રાઠોડની હત્યાના ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ જેમાં નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાને કાયદેસરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ શખ્સોના રિમાન્ડ મેળવીને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરવા તેમજ ઘટના પાછળના અન્ય કોઈ છૂપા કારણો છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી પુરાવા એકત્રિત કરશે, જેથી આ ગંભીર ગુનામાં મજબૂત ચાર્જશીટ તૈયાર કરી શકાય. પૌત્રને બચાવવા ગયેલા દાદાના મોતથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!