વાગરા ના રહાડ – વછનાદ માર્ગ પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પંથકમાં પૈસાની લેતી દેતી મામલે દોસ્ત જ દુશ્મન બનતા હત્યા નો મામલો સામે આવ્યો હતો,મિત્રએ જ ગળે ટૂંપો આપી હત્યા બાદ લાશ કોથળામાં પેક કરી નાળામાં ફેંકી દીધી હતી.ક્રુરતા પૂર્વક યુવક ના હાથ અને પગ બાંધેલી હાલતમાં લાશ મળતા પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

વાગરા ના રહાડ – વછનાદ માર્ગ પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પંથકમાં બનેલ હત્યાની ઘટના થી ભારે ચકચાર મચી જવા પામી હતી.ભાગીદારીમાં ચાલતા સ્પાના ધંધા નો હિસાબ મર્ડર સુધી પહોંચતા પોલીસે એક ઈસમ સામે હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક યુવકની ભરૂચમાં ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાવા પામી હતી.ગતરોજ સાંજના સમયે વાગરા ના રહાડ – વછનાદ ગામના માર્ગ પર આવેલ નાળા નીચે થી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી યુવક ની હત્યા કરેલ હાલતમાં લાશ મળતા વાગરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

બનાવ ને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.વાગરા પોલીસ ઇન્સ્પેકટરે મૃતક નો કબ્જો મેળવી ખાનગી કંપનીને એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પી.એમ અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી તપાસ ને વેગવંતી બનાવી હતી.પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ મૃતક કૃણાલભાઈ ચંદુભાઈ પટેલ અને આરોપી મુન્તઝીર પટેલ રહે. વોરાસમની ગામ, તા. વાગરા બંને મિત્રો હતા.અને મળીને SAWASDEE નામનો સ્પા નો વ્યવસાય કરતા હતા.છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સ્પાના હિસાબના પૈસાને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.આ અદાવતના કારણે ગત ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આરોપીએ કૃણાલભાઈને ફોન કરી સ્પા વેચવાના બહાને પાર્ટી પાસેથી રૂપિયા લેવા જવાનું કહી વિશ્વાસમાં લીધા હતા.આરોપીએ કૃણાલ ને પોતાની ગાડીમાં બેસાડી કોઈ અવાવરુ સ્થળે લઈ ગયો હતો.જ્યાં નાયલોનની દોરી વડે ગળું દબાવી કૃણાલની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.

હત્યા બાદ પુરાવા નાશ કરવા આરોપીએ મૃતકના હાથ-પગ બાંધી લાશને પ્લાસ્ટિકની મીણીયા થેલીમાં ભરી વાગરા તાલુકાના રહાડ ગામથી વછનાદ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા નાળા નીચે ફેંકી દીધી હતી. જ્યારે બીજી તરફ કૃણાલ ઘરે પરત ન ફરતા અને મોબાઈલ બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી ભરૂચ સી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.આ દરમિયાન વાગરા પોલીસને બિનવારસી લાશ મળી આવ્યાની માહિતી મળતા મૃતક નો પરિવાર વાગરા દોડી આવ્યો હતો.મૃતદેહની ઓળખ કૃણાલભાઈ તરીકે થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પોલીસને લાશના ગળાના ભાગે ટૂંપો આપ્યાના નિશાન પણ મળ્યા હતા. વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ગોહિલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.

મૃતક ઘરનો આધાર સ્તંભ હતો :: મૃતક ના ભાઈ ની આરોપીને કડક સજા કરવાની માંગ

મૃતકના ભાઈ પ્રતીક પટેલે જણાવ્યુ હતુ કે કૃણાલભાઈ પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા અને તેમના અવસાનથી આખુ પરિવાર તૂટી પડ્યુ છે. તેમણે આરોપીને કડક સજા કરવાની માંગ કરી હતી.

વાગરા પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

વાગરા પોલીસે હત્યા ના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા તેમજ પુરાવાઓ એકત્ર કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) અને ૨૩૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!