આમોદ: પાણીની ટાંકી પ્રકરણમાં મોટો ચુકાદો, પ્રાદેશિક કમિશનરની લાલ આંખ, માજી પ્રમુખ સામે નાણાકીય જવાબદારી નક્કી; માજી પ્રમુખ અસંતોષ સાથે અપીલની તૈયારીમાં.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ નગરપાલિકામાં પીવાના પાણીની ટાંકીના નિર્માણને લઈ થયેલી તપાસ બાદ પ્રાદેશિક કમિશનર, સાઉથ ઝોન દ્વારા આપવામાં આવેલ હુકમને નગરપાલિકા તંત્રમાં જવાબદારી અને પારદર્શિતાનો મહત્વપૂર્ણ દાખલો માનવામાં આવી રહ્યો છે. પ્રાદેશિક કમિશનર એસ.ડી. વસાવાએ આમોદ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ સમીમબેન મકસુદભાઈ પટેલ પાસેથી ૩૭,૯૯,૬૧૭ ની રકમ વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારની U.I.D.S.S.M.T યોજના અંતર્ગત આમોદ શહેરમાં પાણી પુરવઠાની સુવિધા મજબૂત બનાવવા માટે પાણીની ટાંકી અને સંપના નિર્માણ માટે ૩૧૭.૨૮ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૦માં મે. પાવર હાઇડ્રોલિક, વડોદરાને આ કામનો વર્ક ઓર્ડર અપાયો હતો. કામ દરમિયાન ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નિરીક્ષણમાં બાંધકામની ગુણવત્તા ધોરણ મુજબ ન હોવાનું, કેટલીક તકનીકી ખામીઓ હોવી તથા માળખાકીય મજબૂતી અંગે શંકા ઊભી થવા જેવા મુદ્દાઓ સામે આવ્યા હતા.

નિરીક્ષણ રિપોર્ટમાં ખામીઓ દર્શાવવામાં આવી હોવા છતાં અને જરૂરી સુધારા કરાવ્યા વગર કોન્ટ્રાક્ટર એજન્સીને મોટી રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનું તેમજ તેની સિક્યુરિટી ડિપોઝિટ પણ પરત કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતને સરકારી નાણાંના સંરક્ષણમાં ગંભીર બેદરકારી ગણાવી પ્રાદેશિક કમિશનરે માજી પ્રમુખની નાણાકીય જવાબદારી નક્કી કરી છે. હુકમમાં ચીફ ઓફિસરને આ રકમ રેવન્યુ રાહે તાત્કાલિક વસૂલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન માજી પ્રમુખે બચાવરૂપે રજૂઆત કરી હતી કે તેઓ માત્ર લોક પ્રતિનિધિ છે અને ટેકનિકલ તથા વહીવટી જવાબદારી મુખ્ય અધિકારી અને ઇજનેરની હોય છે. જોકે પ્રાદેશિક કમિશનરે આ દલીલ ફગાવી દેતા જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખ તરીકે અંતિમ દેખરેખ અને જવાબદારી તેમની ઉપર રહે છે.

તો બીજી તરફ માજી પ્રમુખે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું છે કે પાણીની ટાંકી છેલ્લા ૧૨ વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે અને દરરોજ આશરે ૩૩ લાખ લીટર પાણી નગરમાં વિતરણ કરાય છે. નવી નખાયેલી લાઈનો મારફતે પણ આ જ ટાંકીનું પાણી વિતરણ થતું હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે જો બાંધકામમાં ગંભીર ગેરરીતિ હોત તો ટાંકી આટલા વર્ષોથી અડીખમ રીતે કાર્યરત રહી શકી ન હોત. આ કારણે તેઓ આ હુકમથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ચુકાદાને ભવિષ્યમાં લોક પ્રતિનિધિઓ માટે ચેતવણીરૂપ અને સરકારી યોજનાઓના અમલમાં વધુ જવાબદારી સુનિશ્ચિત કરતો મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!