જંબુસરના રૂનાડ ગામના ફાલ્ગુનીબેન પરમારનો સંકટમાંથી સંકલ્પ તરફ પ્રયાણ :: લખપતિ દીદી બનવાનો પ્રયાસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જંબુસર તાલુકાના રૂનાડ ગામના ફાલ્ગુનીબેન પરમારે સંકટમાંથી સંકલ્પ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.તેઓ લખપતિ દીદી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોરોનાકાળમાં જ્યારે રોજગારીના રસ્તાઓ બંધ થઈ ગયા હતા,ત્યારે જંબુસર તાલુકાના રૂનાડ ગામની પરમાર ફાલ્ગુનીબેન હસમુખભાઈએ હાર માનવાને બદલે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો. આ સંકલ્પમાંથી જન્મ્યું “જય ખોડીયાર સખી મંડળ”, જે આજે મિશન મંગલમ અંતર્ગત સફળતાની ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને ફાલ્ગુનીબેનને લખપતિ દીદી બનાવવાની દિશામાં સતત આગળ ધપાવી રહ્યું છે.વર્ષ ૨૦૨૦માં કોરોનાની મહામારી દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ કથળતા, ફાલ્ગુનીબેને ગામની અન્ય ૯ બહેનોને સાથે લઈને સખી મંડળની સ્થાપના કરી હતી. શરૂઆતમાં માત્ર રૂપિયા ૧૦૦ની માસિક બચતથી કાર્ય કાર્ય આરંભ્યું હતું. મિશન મંગલમના સહયોગથી મંડળને રૂપિયા ૩૦,૦૦૦નું રિવોલ્વિંગ ફંડ મળ્યું, જેના આધારે ઘરેથી નાસ્તાનો ગ્રૃહ ઉદ્યોગ શરૂ કર્યો.શરૂઆતમાં નાસ્તાનું વેચાણ કરવામાં આવ્યું અને ધીમે ધીમે ખમણ તથા સમોસા જેવા લોકપ્રિય નાસ્તાનો સમાવેશ કરીને ઘરેથી જ વેચાણ શરૂ કર્યું. આ પ્રવૃત્તિએ બહેનોને નિયમિત રોજગારી આપવાની સાથે આત્મવિશ્વાસ પણ વધાર્યો. લખપતિ દીદી સંકલ્પને સાકાર કરવા માટે ફાલ્ગુનીબેનને સમજાયું કે આવકના વધુ સ્ત્રોત ઉભા કરવા અત્યંત જરૂરી છે. તેથી નાસ્તાના વ્યવસાય સાથે સાથે પશુપાલન શરૂ કર્યું અને ગામમાં કટલરીના છુટક વેચાણની નવી શરૂઆત કરી. આ રીતે એક પછી એક રોજગારીના દ્વાર ખુલતા ગયા અને મંડળની આવકમાં સતત વધારો થતો ગયો.મિશન મંગલમ સાથે સતત સંપર્ક અને મંડળની પ્રગતિને જોતા, સરકાર દ્વારા આયોજિત સખી મેળા અને સરસ મેળામાં સ્ટોલ રાખવાની તક મળી. આ સ્ટોલોમાં મંડળનો કોઈ ખર્ચ થતો ન હતો અને થયેલું સમગ્ર વેચાણ સીધો નફારૂપે મંડળને મળતો. આ મેળાઓના માધ્યમથી બહેનોને માત્ર આવક જ નથી મળી, પરંતુ બજારની સમજ, ગ્રાહકો સાથે સંવાદ અને આત્મવિશ્વાસમાં પણ વધારો થયો.ફાલ્ગુનીબેન અને તેમનું સખી મંડળ વડાપ્રધાનના “વોકલ ફોર લોકલ” ના મંત્રને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. મંડળ દ્વારા માત્ર સ્વદેશી વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવે છે. કટલરીનો તમામ સામાન તથા જરૂરી રો-મટિરિયલ અમદાવાદ ખાતેથી ખરીદી કરીને ગામમાં વેચાણ કરવામાં આવે છે. હાલમાં દર મહિને અંદાજે ૧૦ થી ૧૨ હજારનું વેચાણ થાય છે. ઉપરાંત, સરસ અને સખી મેળા જેવા કાર્યક્રમોમાં બે-ત્રણ દિવસમાં જ સારો નફો મળતો હોય છે, જે મંડળની આવકમાં નોંધપાત્ર વધારો કરે છે.રૂનાડ ગામની ફાલ્ગુનીબેન પરમારની આ સફર દર્શાવે છે કે, સાચો સંકલ્પ, સમૂહ શક્તિ અને સરકારની યોજનાઓનો યોગ્ય ઉપયોગ થાય તો કોઈ પણ મહિલા આત્મનિર્ભર બની શકે છે. આજે ફાલ્ગુનીબેને માત્ર પોતાની આવક જ નથી વધારી, પરંતુ ગામની અન્ય બહેનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહયા છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!