ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પંડવાઈ સુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પીલાણ કાર્ય અટકી ગયું છે. ખેતરો ભીના હોવાથી શેરડી ફેક્ટરી સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.સામાન્ય રીતે દિવાળી પછી ફેક્ટરીઓમાં શેરડી પીલાણ શરૂ થાય છે. જોકે, અણધાર્યા વરસાદને લીધે ખેતરોમાં કાદવ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને શેરડી કાપવા અને ટ્રકમાં ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભીની જમીન પરથી શેરડીનું પરિવહન પણ અશક્ય બન્યું છે.પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું કે, પીલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ હતી, પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે, તો 10 નવેમ્બર આસપાસ શેરડી પીલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે.કમોસમી વરસાદના કારણે માત્ર પીલાણ કાર્ય જ નહીં, પરંતુ શેરડીની નવી રોપણીનું કામ પણ વિલંબમાં પડ્યું છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વરસાદે ડાંગર અને કપાસ જેવા અન્ય પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









