આણંદ ખાતે યોજાનાર ધાર્મિક સભામાં ટી.રાજા સહિત અન્ય વક્તાઓ ઉપસ્થિત રહેનાર છે.ત્યારે તેઓ દ્વારા અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ ના દુભાય તથા રાજ્યની એકતા-શાંતિ અને સલામતી અંગે તકેદારી રાખી ચુસ્ત આયોજન કરવા સંદર્ભે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તેમજ મોહંમદ જાવેદ પીરઝાદા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેઓ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર આણંદ ખાતે તા.૧૨ ઓકટોબર રવિવાર ના રોજ તેલંગાણાના ધારાસભ્ય ટી.રાજાના ધાર્મિક પ્રવચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંવિધાન અનુસાર તમામ ધર્મ જાતિના લોકોને પોતાના ધર્મનું પ્રચાર પ્રસાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે.તમામ ધર્મો પ્રેમ, સહિષ્ણુતા અને માનવતાનો જ સંદેશ આપે છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ તમામ ધર્મો એકબીજાની ધાર્મિક ભાવના અને આસ્થાનો હંમેશા આદર કરતા આવ્યા છે. તમામ ભારતીય નાગરિકો દ્વારા સકારાત્મક રીતે પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની આવકારદાયક બાબતે અન્ય કોઈપણ સમાજને ક્યારેય વાંધો હોઈ શકે નહીં.વધુમાં જણાવાયું છે કે ટી રાજા એ વિવાદિત રીતે ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રવચન આપતા ગત સપ્તાહે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હઝરત પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.અને તેમની સામે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભડકાઉ ભાષણ આપવા વિરૂદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

ગુજરાતમાં પાછલા દિવસોમાં બહિયલ, વડોદરા, ગોધરા ખાતે સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ દુભાવતી ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ થવાના કારણે નિંદનીય હિંસક ઘટનાઓ બનવા પામી હતી. રાજયની શાંતિ, સલામતી અને એકતા જળવાઈ રહે તે માટે ભડકાઉ ભાષણ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ ના તહેસીન પુનાવાલા જજમેન્ટમાં સ્પષ્ટપણે ગાઈડ લાઈનમાં જણાવ્યા મુજબ દેશભરની તમામ રાજ્ય સરકારોને દરેક જિલ્લાઓમાં એક એસીપી કક્ષાના નોડલ અધિકારીની નિમણૂક કરી ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓ ઉપર સીધી દેખરેખ રાખી નફરત ફેલાવતા તત્ત્વો સામે તાત્કાલિક સુઓમોટો ફરિયાદ દાખલ કરી કડક પોલીસ કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટ દ્વારા આપેલ દિશા નિર્દેશનું ચુસ્તપણે પાલન કરવા રાજ્ય સરકાર દ્વારા ત્વરિત દરેક જિલ્લાઓમાં એસીપી કક્ષાના એક નોડલ અધિકારીની નિમણૂક કરી સોશ્યલ મીડિયા ઉપર થતા ભડકાઉ ભાષણ તથા ધાર્મિક લાગણીઓ દુભાવતી પોસ્ટ પર ચાંપતી નજર રાખી ભડકાઉ ભાષણ આપનાર તથા સોશ્યલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ વાઈરલ કરનારા ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી રજૂઆત ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી સહિત ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત થ્રુ રજીસ્ટ્રાર ઓફ ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્યપાલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય ના પોલીસવડા વિકાસ સહાય અને ગુજરાત સાયબર ક્રાઇમ સેલ ને કરવામાં આવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









