દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઇદે મિલાદનો તહેવાર હોવાથી વાગરાની શ્રી ગણેશ સેવા સમાજ સંઘ સંચાલિત જુંજેરા વિદ્યાલયમાં એક દિવસ વહેલા એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ તેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષકના વ્યવસાય પ્રત્યે ગૌરવની લાગણી થાય અને તેઓ શિક્ષણ કાર્યનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકે છે.

આ સ્વયં શિક્ષક દિન નિમિત્તે શાળાના ધોરણ-9માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંથી એક દિવસ માટે શિક્ષકો, ટ્રસ્ટી, આચાર્ય, ક્લાર્ક અને સેવક ભાઈ-બહેનોની ભૂમિકા માટે નિમણૂક કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ તમામ જવાબદારીઓ ખૂબ જ ઉત્સાહ અને કુશળતાપૂર્વક નિભાવી હતી. તેઓએ વર્ગખંડમાં સારું પ્રદર્શન કરીને પોતાના ગુરુજનોને પ્રભાવિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સામાજિક આગેવાન અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના કાઉન્સિલર તેમજ એજ્યુકેશન કમિટીના સભ્ય કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

કિંજલબાએ બાળકોને સંબોધતા મોબાઈલ ફોનના ગેરફાયદા વિશે સમજણ આપી હતી અને ભવિષ્યમાં તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો. આ ઉપરાંત, ઈમ્તિયાઝ પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે રીતે શિક્ષણનું મહત્વ સમજાવતું સુંદર વક્તવ્ય આપ્યું હતું.

મહેમાનોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા માટેના સંસ્કાર અને માર્ગદર્શન પણ આપે છે. શિક્ષકો એ સમાજના સાચા ઘડવૈયા છે, જેઓ રાષ્ટ્રના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના ગુરુજનોનું સન્માન કરવા અને શિક્ષણનું મહત્તમ મૂલ્ય સમજવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતમાં, શાળા પરિવારે મહેમાનોની સમાજ સેવા અને શાળાની મુલાકાત બદલ તેમનું વિશેષ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આ સફળ કાર્યક્રમનો શ્રેય શાળાના ટ્રસ્ટી, આચાર્ય હિતેશ કુમાર, શિક્ષકગણ, સેવક બહેનો તેમજ વિદ્યાર્થીઓને જાય છે, જેઓ આ યાદગાર દિવસના ભાગ બન્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









