વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી સ્લોકા ડાઈઝ કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે, આ કંપનીની ઘોર બેદરકારીનો ભોગ બનીને એક ૧૯ વર્ષીય નિર્દોષ શ્રમિકે તેના હાથની ચાર આંગળીઓ ગુમાવી છે. રાત્રે બનેલી આ કરુણ ઘટનાએ ઉદ્યોગનગરીમાં કામદારોની સલામતીના નામે ચાલતી મજાકનો પર્દાફાશ કર્યો છે. મધ્યપ્રદેશથી રોજીરોટી માટે આવેલા મોહિત કાશીરામ રૈકવારને ખબર ન હતી કે માત્ર દસ દિવસમાં જ તેનું જીવન બદલાઈ જશે.રાત્રે બે વાગ્યાના સુમારે જ્યારે મોહિત બ્લેન્ડર મશીન પર કામ કરી રહ્યો હતો. ત્યારે સુરક્ષાના કોઈ સાધનો કે સાવચેતી પગલાં વગર કામ કરતા તેના હાથની આંગળીઓ મશીનમાં ખેંચાઈ ગઈ હતી. પરિણામ સ્વરૂપ તેના જમણા હાથની ત્રણ આંગળીઓ અને એક અંગૂઠો કાયમ માટે કપાઈ ગયો હતો.આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ ઉદ્યોગકારોની શ્રમિકોના જીવ પ્રત્યેની બેદરકારી અને ઉદાસીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું કંપનીના સંચાલકોને યુવકને સુરક્ષા કવચ, મોજા કે અન્ય જરૂરી ઉપકરણો આપવાનું પણ મુનાસિબ ન લાગ્યું….??? માત્ર નફો કમાવવાની લાલસામાં માણસના જીવનું કોઈ મૂલ્ય જ નથી…??

નોંધનીય છે કે, આ જ કંપનીમાંથી વારંવાર કલરયુક્ત પ્રદૂષિત પાણી જાહેર રોડ પરજ છોડવામાં આવતું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. કંપની નિયમો અને કાયદાઓને આભરાઈ એ ચઢાવી કામ કરતી હોવાની વાતો વહેતી થઈ છે. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન લીધું છે.આવા કિસ્સાઓમાં પોલીસે પણ બેજવાબદાર કંપનીઓ સામે કડક કાનૂની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યાં સુધી આવા ઉદ્યોગપતિઓ સામે દાખલારૂપ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી શ્રમિકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. ઉક્ત બનાવમાં તંત્રએ ગંભીરતાથી તપાસ કરી કંપનીની બેદરકારી સાબિત થાય તો તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ શ્રમિક આવી ઘટનાનો ભોગ ન બને.હાલ તો ભોગ બનનાર કામદાર ને કંપની થકી યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહયા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









