ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાગરા તાલુકાના વિલાયત ચોકડી ખાતે ખરાબ રોડ-રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું. પ્રદર્શનકારી કોંગી કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાવતા ખેંચતાણ થવા પામી હતી,અંતે પોલીસે તેમની અટકાયત કરી વાગરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાક્રમ કોંગ્રેસ માટે શરમજનક હોય તેમ પ્રતીત થયુ હતું, ખાસ કરીને પક્ષના ટોચના નેતાઓની (ઘેર) હાજરી ઉડી ને આંખે વળગી હતી.હાલ તો આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને રાજકીય લાભ ખાટવા પૂરતો જ કાર્યક્રમ યોજાયો હોવાની વાતો વહેતી થઈ છે. યુથ કોંગ્રેસ દ્વારા વાગરાના વિલાયત ચોકડી પર ખરાબ રસ્તાઓ વિરુદ્ધ અવાજ બુલંદ કરવા યુથ કોંગી કાર્યકરો પ્રદર્શન કરે તે પહેલા જ વાગરા પોલીસે સક્રિય ભૂમિકા ભજવી કોંગી કાર્યકરોને અટકાવ્યા હતા.

દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ક્ષણિક ઘર્ષણ પણ જોવા મળ્યુ હતું, અંતે પોલીસે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પ્રદર્શનમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આસિફ ખોજબલ ,કોંગ્રેસના અગ્રણી નેતા સુલેમાન પટેલ, તેમજ આસપાસના ગામોના સરપંચો અને અન્ય મોટા આગેવાનોની ગેરહાજરી નોંધપાત્ર બની રહી હતી. આ ગેરહાજરીએ યુથ કોંગ્રેસના કાર્યક્રમની ગંભીરતા અને પક્ષની આંતરિક એકતા પર પણ સવાલો ઉભા કર્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલ ચર્ચા અનુસાર શું આ પ્રદર્શન માત્ર દેખાવ પૂરતું હતું…?? શું પક્ષના મોટા નેતાઓ યુથ કોંગ્રેસના આ પ્રયાસને સમર્થન આપવા તૈયાર ન હોતા..?? અથવા શું તેમને આ કાર્યક્રમની નિરર્થકતાનો અગાઉથી અંદાજ હતો…??? સ્થાનિક આગેવાનોનું કહેવું છે, કે આ માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે, તો પછી યુથ કોંગ્રેસને અત્યારે જ કેમ આ મુદ્દો યાદ આવ્યો..?? આ પ્રશ્ન કોંગ્રેસની રાજકીય દાનત પર શંકા ઉત્પન્ન કરે છે. વધુમાં, એવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે કે દેરોલથી વિલાયતના માર્ગનું નવીનીકરણ આગામી ટૂંક સમયમાં શરૂ થવાનું જ છે ટેન્ડરિંગ ની પ્રક્રિયા પણ થઈ ગઈ હોવાની માહિતી સાંપડી છે.ત્યારે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના “ખોટા ટાયફા” શા માટે કરવામાં આવી રહ્યા છે…??તે એક મોટો યક્ષપ્રશ્ન છે.યુથ કોંગ્રેસના આ કાર્યક્રમો આગામી સમયમાં યોજાનાર યુથ કોંગ્રેસના આંતરિક ઇલેક્શનને ધ્યાનમાં રાખીને યોજાઈ રહ્યા હોય તેમ ફલિત થાય છે. પોલીસની સમયસરની કાર્યવાહી,પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને લગતા આક્ષેપો એ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે.
યુથ કોંગ્રેસ ના પ્રદર્શન સામે “સસ્તી પ્રસિદ્ધિ” અને “ફોટોફોબિયા” નો આક્ષેપ
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને સામાજિક આગેવાન ઈમ્તિયાઝ પટેલે આ પ્રદર્શનકારીઓ પર સીધા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “યુથ કોંગ્રેસના આ કાર્યક્રમો આગામી સમયમાં યોજાનાર યુથ કોંગ્રેસના આંતરિક ઇલેક્શનને ધ્યાનમાં રાખીને યોજાઈ રહ્યા છે.” તેમણે આવા પ્રયાસોને “સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને ફોટોફોબિયાના નેતાઓના હવાત્યા” સમાન ગણાવ્યા હતા. ઈમ્તિયાઝ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ રસ્તા માટે હું વર્ષોથી અવાજ ઉઠાવતો આવ્યો છું. અનેક વાર પ્રદર્શન તેમજ લેખિત રજુઆતો કરી છે. અને તાજેતરમાં જ GIDC એસોસિએશન સાથે મળી આ રસ્તા અંગે રજુઆત કરી છે. અને આ રસ્તો મંજુર પણ થઈ ગયો છે. થોડા દિવસોમાં RCC માર્ગનું નિર્માણકાર્ય પણ શરૂ થશે. ત્યારે આ ચોંકાવનારો ખુલાસો દર્શાવે છે કે, જ્યારે રસ્તાના નવીનીકરણનું કામ મંજૂર જ થઈ ગયું હોય અને ટૂંક સમયમાં શરૂ થવાનું છે, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું પ્રદર્શન યોજીને કામની ક્રેડિટ લેવા માટે પ્રજા વચ્ચે રોફ જમાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો થયા છે. ઈમ્તિયાઝ પટેલે ભારપૂર્વક કહ્યું કે, “ભરૂચ જિલ્લાની જનતા બહુ જ સારી રીતે જાણે છે, કે કોણે કયા અને કેવા સમયે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે. શું કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓ માટે નહીં, પરંતુ આંતરિક રાજકીય લાભ ખાટવા માટે આવા “દેખાવ” ના નાટક કરી રહી છે, તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755










