વાગરા પંથકમાં તસ્કરો નો પોલીસ ને ખુલ્લો પડકાર :: સારણ બાદ વાગરા મા ધોળે દાડે સાડા પાંચ લાખ થી વધુ ની મત્તા ના હાથફેરા થી ખળભળાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે. સારણ ગામમાં થયેલ ૩૦ લાખ થી વધુ ની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાં વાગરા નગર મા ફરી એકવાર તસ્કરોએ ધોળે દિવસે પોતાનો કરતબ અજમાવી પાંચ લાખ ઉપરાંતની માલ મત્તા નો હાથફેરો કરી પોલીસને જાણે રીતસર નો પડકાર ફેંક્યો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે સારણ બાદ ખૂબ ટૂંકા સમયમાં તરત જ વાગરા નગરમાં ચોરી થતા નિશાચરોએ વાગરા પોલીસ ના પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાડી દીધા હતા. વાગરા પંથકમાં ચોર ટોળકી ફરી સક્રિય બની છે. એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે.

વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બૂ કોમ્પલેક્ષમાં રહેતા તોસિફ ગુલામ મહંમદ સિંધા ગત તારીખ ૨૭ જૂનના ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા માટે ગયા હતા. તે વખતે પત્નિના સોનાના ઘરેણા તેમણે વાગરામાં રહેતા તેમના મોટા ભાઈને ત્યાં મુક્યા હતા. ત્યાર બાદ તોસિફ સિંધા ૨૯ જૂને સાપુતારા થી વાગરા પરત ફર્યા હતા. ત્યાર પછી તારીખ બે જુલાઈ ના રોજ તેઓના ભાઈના ઘરે મુકેલા ઘરેણાં પરત હનુમાન ચોકડી સ્થિત ખુશ્બુ કોમ્પલેક્ષમાં તેઓના મકાનમાં લાવી તિજોરીના લોકરમાં મુક્યા હતા. અને લોકરને તાળું મારી ચાવી બાજુના લોકરમાં જ મૂકી હતી. તારીખ ૫ જુલાઈ ના રોજ તોસિફ સિંધા નિત્યક્રમ અનુસાર ૯ વાગ્યે નોકરી જવા નીકળી ગયા હતા. અને ત્યાર બાદ ૧૦:૩૦ વાગ્યાના અરસામાં તેઓના પત્ની પણ નોકરી જવા ઘરેથી નિકળી ગયા હતા.લગભગ બપોરે ૧ વાગ્યે તેમના પત્ની ઘરે જમવા માટે ગયા હતા. થોડીક વાર બાદ તોસિફ સિંધા પણ ઘરે જમવા આવ્યા હતા. ત્યારે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું, કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ જ હતો. મેં લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો તો ઘરની લાઈટ ચાલુ હતી. જેથી મેં તુરંતજ તિજોરીમાં તપાસ કરતા મારુ પર્સ ખુલ્લું જણાયું હતુ. અને લોકર ખોલવાની ટ્રાય કરતા લોકર ખુલતું નથી. જેથી તોસિફ ભાઈએ તરત જ બીજા લોકરમાં થી ચાવી કાઢી ઘરેણાં મુકેલ લોકર ખોલી તપાસ કરતા તેઓએ મુકેલા ઘરેણાં ગાયબ જણાતા પતિ-પત્ની ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી આવ્યા ન હતા. જેથી ૧૦:૩૦ થી ૧ વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઘટના ઉજાગર થઇ હતી.

તેઓએ તિજોરીમાં રાખેલ સોનાનો હાર, પાટલા, સોનાની ચેન સહિતના ૭ તોલા વજનના સોનાના ઘરેણાં જેની અંદાજીત કિંમત ૫ લાખ ૫૬ હજાર હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.નોંધનીય બાબત એ છે, કે સારણ ગામે થયેલ ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી તોડી ને જ ઘરમાં પ્રવેશ્યા હતા.તે જ મોડ્સ ઓપરેન્ડી આ બનાવમાં પણ અપનાવવામાં આવી છે. પોલીસે બનાવ સ્થળે તપાસ કરી, આસપાસના CCTV ફૂટેજ ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે ધોળે દિવસે જ તસ્કરોએ ચોરીની ઘટના ને અંજામ આપતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સાથે જ પોલીસ ની કામગીરી સામે પણ નગરજનો મા અનેક સવાલો ઉત્પન્ન થયા છે.ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં છેલ્લા 3 દિવસમાં બે અલગ-અલગ બનાવમાં લાખો રૂપિયા ની ચોરી ને પગલે તસ્કરોએ સામાન્ય જનતા સહિત પોલીસની ઊંઘ હરામ કરી મૂકી છે. એકબાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો એ પોલીસને પડકાર ફેંકયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.બીજી તરફ વાગરા નગરના પ્રબુદ્ધ નાગરિકો પોલીસ ના પેટ્રોલિંગ સહિત નગરમાં પોલીસ ની દિવસ ની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે.તો બીજી તરફ વાગરા બીટમાં કાર્યરત પોલીસ કર્મીઓ ક્યા પ્રકાર ની નોકરી કરી રહ્યા છે…??તેની સામે પણ લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સાથે જ તેઓ ની ફરજનિષ્ઠા સામે પણ શંકા ની સોય તકાઈ રહી છે. ગત ૩જી તારીખે સારણ ગામેં ઘરમાં પરિવાર સૂતો હોવા છતાંય નિશાચરોએ બિન્દાસ લાખો રૂપિયાની ચોરી ને અંજામ આપ્યો હતો .

જેનો ભેદ હજુ ઉકેલાયો નથી,ત્યાં તરત જ ચોરી ની બીજી ઘટનાએ પોલીસને ધંધે લગાડી દીધી છે.જો કે ૩ દિવસના ટૂંકા ગાળામાં જ સાડા પાંચ લાખની ચોરીની બીજી ઘટનાએ વાગરા પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. એકબાદ એક ચોરીની ઘટનાને પગલે નગરજનો ચિંતિત ની સાથે ભયભીત બન્યા છે. તેવામાં પોલીસ દ્વારા નિષ્ઠાપૂર્વક પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. વાગરા પોલીસ તસ્કર ટોળકીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી પ્રજાને સલામતી અને સુરક્ષાનો અહેસાસ કરાવે તે જ સમય ની માંગ છે.

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!