જંબુસર નગર ની સગીર યુવતી નું તેના ઘરે થી બે યુવતીઓ અને એક યુવક દ્વારા ભેગા મળી અપહરણ કરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ સગીરા ના પિતાએ જંબુસર પોલિસ મથકે આપતા પોલીસે ફરિયાદ અંગે તપાસ નો ધમધમાટ તેજ બનાવ્યો હતો.જંબુસર ના ડાભાચોકડી વિસ્તાર ની સગીરા ને તેમની પાડોશ મા રહેતા શબનમ યુસુફ ડભોઈવાલા તેમજ અન્ય એક યુવતી તથા ઈમરાન ઉર્ફે કાકા દેવલાવાળા એ એક બીજાના મેળાપીણામાં તરકટ રચી તેઓ ની બાજુમાં રહેતી સગીરા નું અપહરણ કરી અમદાવાદ લઈ ગયાની પોલીસ ફરિયાદ જંબુસર પોલીસ મથકે સગીરા ના પિતાએ આપતા જંબુસર પંથકમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

અપહરણ કરાયેલ સગીરા ના પિતા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ ફરિયાદ અનુસાર તા.૧૪ મેં ના રોજ સગીરા ના પિતા ના બનેવી વાગરા ના વસ્તીખંડાલી મુકામે ગુજરી ગયા હોય ત્યાં ગયા હતા અને તા.૧૫ ના રોજ પણ તેઓ ત્યાં જ હતા. ત્યારે રાત્રીના ૧૧ વાગ્યા ના અરસામાં ફરિયાદી પર તેઓ ના મિત્ર સદ્દામ નો ફોન આવેલ કે તેમની દિકરી ગુમ થઈ ગયેલ છે અને તેની શોધખોળ કરતા મળી આવેલ નથી.જેથી ફરીયાદી તાત્કાલીક વસ્તીખંડાલી થી પરત જંબુસર મુકામે તેમના ઘરે પરત દોડી આવ્યા હતા. જંબુસર આવ્યા બાદ તેઓએ પત્ની પાસેથી બનાવ સંબધી વિગતે પુછપરછ કરી હતી. જેથી તેમની પત્ની એ જણાવેલ કે, તેઓ તા- ૧૫ ના રોજ સાંજ ના ૫:૩૦ કલાક ના અરસામાં અસર ની નમાઝ પઢી રહયા હતા. દરમિયાન તેમની પાડોશમાં રહેતી યુવતી ડભોયા હોલની બાજુમાં તેમના મકાન મા સાફ સફાઈ કરવાની છે તેમ જણાવી તેમની દીકરી ને સાથે લઇ ગઇ હતી.ત્યાર બાદ રાત્રીના આઠ વાગ્યા સુધી દિકરી પરત ન આવતા સગીરા ની માતા એ શબનમ ડભોઇ વાલા ને મોબાઈલ થી પુછપરછ કરતા શબનમે જણાવેલ કે, “હું દુધ લેવા જવ છું અને તમારી દીકરી મારી જોડે છે હું ઘરે આવુ છું તો તેને લેતી આવુ છું “.પરંતુ શબનમ એકલા જ ઘરે પરત આવેલા.અને જણાવેલ કે, ” તમારી છોકરીને કોઈ ઈકો વાળો કીડનેપ કરીને લઈ ગયેલ છે.

ફાઈલ ફોટો
અને તેની અમો કયાર ના શોધખોળ કરીએ છીએ. જેથી સગીરા ની મા એ મિત્રો તેમજ સગા સંબંધીઓ ને ફોન થી જાણ કરેલ. જેથી સગીરા ના પિતાએ જંબુસર પોલીસ સ્ટેશન મા ફરિયાદ આપી હતી.વધુમાં ફરીયાદીએ ગુમશુદાદિકરી અંગે શબનમ ની પુછપરછ કરેલી અને પોલીસ દ્વારા પણ શબનમ ની પુછપરછ કરવામાં આવી હતી. જેથી શબનમ ગભરાઈ ગઇ હતી. શબનમે પોલીસ સ્ટેશન થી આવ્યા બાદ ઇમરાન ઉર્ફે કાકા દેવલાવાળા નો સતત મોબાઈલ ઉપર સંપર્ક ચાલુ રાખી તેને આધારે તરત જ શબનમે ફરીયાદીને જણાવેલ કે, ” તમારી છોકરી મળી ગયેલ છે અને અમદાવાદ મુકામે છે ” જેથી તેઓ દિકરીને લેવા માટે અમદાવાદ ગયેલા અને ત્યાં દિકરી શબનમ ના સગા મુન્નવર નાં ધરે થી મળી આવેલી. દિકરીને ઘરે પરત લાવ્યા બાદ તેની પુછપરછ કરતા,દિકરી એ પિતાને જણાવેલ કે, તેણીને ઈકોમાં કોઈ ઉઠાવી ગયુ નથી. પણ તે જયારે બાજુમાં રહેતી યુવતી સાથે તેના ઘરે ગઈ ત્યારે તેણી એ સગીરા ને પાણી પીવડાવેલુ અને વારંવાર દિકરીને પાણી પીવુ ન હોવા છતાં તેને પાણી પીવડાવતા એનું માથુ ભારે થઈ ગયેલુ અને આંખો ઘેનાઈ ગયેલ અને કાંઈ સમજ હતી નહી.તેવી માનશીક સ્થિતિમાં યુવતી સગીરા ને કુંભારવાડ વાળા રસ્તેથી એલહેદીશ મસ્જીદ ની પાછળના ભાગ સુધી ચાલતી લઈ ગયેલ અને તેને રીક્ષામાં બેસવુ ન હોવા છતાં રીક્ષામાં બેસાડી દીધેલ અને ત્યાર બાદ તે રીક્ષાવાળો જંબુસર એસ.ટી.ડેપો લઈ ગયો હતો.જયાંથી સગીરા ને બસ માં બેસાડી ભરૂચ રવાના કરાઈ હતી.ભરૂચ એસ.ટી ડેપો થી ભરૂચ રેલ્વે સ્ટેશન પર લઈ જઈ ટ્રેન માં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા.ત્યાં પહોચ્યા બાદ ફોન ઉપર શબનમે સગીરા ને એવું જણાવેલ કે, તારા પપ્પાનો ફોન આવે તો એવું કહેજે કે, કોઈ ઈકોવાળાએ પોલીસ લાઈન નજીકની ફાટક પાસેથી કિડનેપ કરી લીધેલ છે.

ફાઈલ ફોટો
વધુમાં અપહરણ માં શામેલ યુવતીએ દિકરીને હાથ ઉપર નખ થી નંખોરીયા પાડી દઈ અપહરણ થયું હોવાનું પિતાને જણાવવા દબાણ કર્યું હતું. ઉપરોકત તમામ હકીકત દિકરી એ પિતાને જણાવી હોવાની વિગતો અરજી માં દર્શાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓએ એક બીજાના મેળાપીપણામાં સગીર દિકરીનું કોઈ અગમ્ય કારણસર અપહરણ કરી ઉપાડી ગયેલ હોવાની કેફિયત સાથે સગીરા ના પિતાએ ભારતીય ન્યાય સંહીતા તથા પોકસો એકટ હેઠળ કાયદેસર ની ફરિયાદ નોંધવા જંબુસર પોલીસ મથકે લેખિતમાં ફરીયાદ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.હાલ તો અપહરણ ની ફરિયાદ નો મુદ્દો સમગ્ર જંબુસર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.બીજી તરફ જંબુસર પોલીસ આ મુદ્દે આગળ કેવી કાર્યવાહી હાથ ધરે છે તેની પર ભોગ બનનાર સગીરા ના કુટુંબીજનો ન્યાય ની અપેક્ષાએ મીટ માંડી ને બેઠા છે.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર









