
સારણ-સાયખા રોડ પર ગઈકાલે સાંજના ૬ વાગ્યાની આસપાસ કેમિકલનું ટેન્કર પલટી થયું હતું. ઘટના બાદ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીની શિવ ફાર્મા કંપનીનું એક ટેન્કર થીયોનાઈલ ક્લોરાઈડ નામનું કેમિકલ લઈને સાયખા જીઆઈડીસીમાં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું. દરમિયાન સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ટેન્કરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર કાબુ બહાર જઈને રોડની કિનારે પલટી મારી ગયું હતું.

અકસ્માત બાદ ટેન્કરમાંથી કેમિકલ લીક થશે તો આજુબાજુના લોકોને નુકસાન થશે તેવા ભયને કારણે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. ફુલતરિયા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પલટી ગયેલા ટેન્કરને ઉપાડવા માટે 2 ક્રેઈન અને એક JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણી જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું.

જે બાદ ટેન્કરને નુકસાન થયું હોવાનું માલુમ પડતા તેને રવાના કરવામાં આવ્યું હતું.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









