પોલીસે વિદેશી દારૂ અને ફોર વ્હિલ ગાડી મળીને કુલ રૂપિયા ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસે કારમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇને કાર મુકીને અંધારામાં ભાગી ગયેલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ થતી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ મથકના પીએસઆઇ ડી.કે.પંડયાએ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપેલ, દરમિયાન પોલીસને બાતમી મળેલ કે એક સિલ્વર કલરની ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને આ ગાડી કરાલી ચોકડી તરફ આવે છે. પોલીસે મળેલ બાતમીના આધારે કરાલી ચોકડી નજીક વોચ નાકાબંધી કરી હતી, અને તે દરમ્યાન ફોર વ્હીલ ગાડીનો ચાલક દૂર થી પોલીસને જોઈ ગાડીને રોડ ની વચ્ચે મૂકી દીધી હતી અને અંધારાનો લાભ લઇ ત્યાંથી નાશી ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના વિદેશી દારૂની બોટલ નંગ – ૮૧૨ જેની કિંમત રૂપિયા ૧,૨૭,૯૮૦ નો દારૂનો જથ્થો મળી આવેલ. પોલીસે ગાડીમાંથી મળેલ દારૂનો જથ્થો તેમજ કાર મળીને કુલ રૂપિયા ૩,૭૭,૯૮૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ગાડી મુકીને ભાગી ગયેલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબીશનનો કેસ સોધી કાઢવામાં સફળતા મળી હતી.
તસવીર:- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર









