આણંદ ના હાડગુડ ગામે પંજતન ફાઉન્ડેશન દ્વારા તા.૧૫ મી નવેમ્બરના રોજ ૧૦મા “જીવનસાથી પસંદગી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.સમાજમાં લગ્ન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ સાથે સામાજિક એકતા, ભાઈચારો અને ઉત્કર્ષના ઉમદા હેતુ સાથે પંજતન ફાઉન્ડેશન,હાડગુડ (આણંદ) દ્વારા આગામી તા.૧૫ નવેમ્બર ૨૦૨૬ને,રવિવારના રોજ દસમો ‘જીવનસાથી પસંદગી મેળો’ યોજવામાં આવનાર છે.ઉલ્લેખનીય છે કે પંજતન ફાઉન્ડેશન છેલ્લા એક દાયકાથી સૈયદ સાદાત પરિવારોના સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ સેવાકીય અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લગ્ન સંબંધો કરાવવા સાથે લોકોપયોગી પ્રવૃત્તિઓ કરવાનું છે.જીવનસાથી પસંદગી મેળામાં સૈયદ-સાદાત સમાજના કુંવારા યુવક-યુવતીઓ ઉપરાંત વિધવા બહેનો, ત્યકતા બહેનો અને વિધુર ભાઈઓને પણ જીવનસાથી પસંદ કરવાની તક મળી રહે તેવો માનવીય અભિગમ રાખવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ શહેરો અને ગામોમાંથી સૈયદ સાદાત પરિવારના ૮૦થી વધુ પરિવારો આ કાર્યક્રમમાં સહભાગી થવાની શકયતા રહેલી છે.કાર્યક્રમ દરમિયાન સમાજના સર્વાંગી વિકાસને લગતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સમાજના લોકો વચ્ચે વધુ સારો સંપર્ક અને સંવાદ વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચા થશે. વડીલોનું સન્માન અને યુવા પેઢીને સમાજસેવા સાથે જોડવાના પ્રયાસો પણ કાર્યક્રમના કેન્દ્રસ્થાને રહેશે.તેમ સંસ્થાના સંચાલક આરીફ સૈયદ(ભુરિયા) દ્વારા જણાવાયું છે.આ પ્રસંગે અમદાવાદ,વડોદરા, આણંદ,નાપા,બહિયલ, ભરૂચ, બોરસદ સહિત વિવિધ સ્થળેથી સૈયદ સાદાત સમાજના મહાનુભાવો ખાસ હાજર રહી સમાજના ઉત્કર્ષ અંગે પોતાના વિચારો રજૂ કરશે.પંજતન ફાઉન્ડેશન દ્વારા સમાજના તમામ પરિવારો, આગેવાનો, યુવાનો અને સામાજિક કાર્યકરોને આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. સમાજમાં લગ્ન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપરાંત શિક્ષણ, રોજગાર, મહિલા સશક્તિકરણ અને જરૂરિયાતમંદોની સેવા જેવા ક્ષેત્રોમાં સૌના સહયોગથી સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ આ કાર્યક્રમ દ્વારા સાકાર કરવાનો પ્રયાસ છે
(અમજદ સૈયદ)









