વાગરાના દહેજ ની પોલીસે દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે બિહારી બાબુ ને દબોચી લીધો હતો.દહેજ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગેરકાયદેસર હથિયાર રાખનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં વાગરા તાલુકાના વડદલા ગામ નજીક મેહાલી ચોકડી પાસેથી દેશી હાથ બનાવટના તમંચા અને એક જીવતા કારતૂસ સાથે બિહારી શખ્સને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન વડદલા ગામ પાસે મેહાલી ચોકડી નજીક એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હથિયાર લઈને ફરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે શંકાસ્પદ શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો (અગ્નિશસ્ત્ર) તથા એક જીવતું કારતૂસ મળી આવ્યું હતું. પોલીસે હથિયાર અંગે પૂછપરછ કરતાં આરોપીએ હથિયાર પોતાના વતન બિહાર ખાતેથી લાવ્યાનું જણાવ્યું હતું.

ઝડપાયેલ આરોપીનું નામ ગૌતમકુમાર મંડલ, રહે. સેક્ટર-૦૧, વડદલા, તાલુકો વાગરા, મૂળ વતની સાદુઆ ગામ, થાણા-કહેરા ચોક, જિલ્લો ભાગલપુર (બિહાર) હોવાનું જણાવ્યું હતું.આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









