આમોદ: ઢાઢર નદીના જર્જરિત પુલ પરથી ૫૦ ટનની ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક વાહનોને રાત્રી ના સમયે 3 કલાક પસાર થવા છૂટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદની ઢાઢર નદીના જર્જરિત પુલ પરથી ૫૦ ટનની ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક વાહનોને રાત્રી ના સમયે 3 કલાક પસાર થવા દેવાની છૂટ આપવામાં આવતા વાહનચાલકોએ આંશિક રાહત ની લાગણી અનુભવી છે.નેશનલ હાઈવે-૬૪ પર જંબુસર-ભરૂચ માર્ગે આવેલા ઢાઢર નદીના પુલની જર્જરિત હાલત અને સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની અવરજવર પર મૂકવામાં આવેલા પ્રતિબંધમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંશિક રાહત આપવામાં આવી છે. જંબુસર અને આમોદ પંથકના ઔદ્યોગિક એકમોને ભારે વાહનોની અવર-જવરમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્રએ નિયમોમાં ફેરફાર કર્યો છે. સ્થાનિક ઉદ્યોગોની રજૂઆતો અને વાહનવ્યવહારની સમસ્યાઓને ધ્યાનમાં રાખી ડીવાયએસપી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ભલામણ બાદ જિલ્લા પોલીસ વડાના હકારાત્મક અભિપ્રાયને આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે સુધારેલો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ આરટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ૫૦ ટન સુધીની ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક વાહનોને રાત્રિના ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન એટલે કે માત્ર ત્રણ કલાક માટે પુલ પરથી એક જ લેનમાં નિયંત્રિત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે, નિર્ધારિત સમય સિવાય ૫૦ ટનથી વધુ વજન ધરાવતા તમામ ભારે કોમર્શિયલ વાહનો માટેનો પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે. બીજી તરફ ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા પણ અમલમાં રહેશે. આમોદથી જંબુસર તરફ જતાં વાહનોને સમા ત્રણ રસ્તા, સરભાણ, માતર ટોલનાકા અને પાદરા થઈ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે તરફ જવાનું રહેશે. જ્યારે જંબુસરથી ભરૂચ-દહેજ તરફ જતાં ભારે વાહનોને ડાભા ચોકડીથી અણખી-પાદરા થઈ એક્સપ્રેસવે તરફ વાળવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્થાનિક ઔદ્યોગિક એકમોને વાહનવ્યવહારમાં આંશિક રાહત મળશે, પરંતુ પુલની જર્જરિત સ્થિતિને જોતાં વાહનોની અવરજવર દરમિયાન સુરક્ષાના નિયમોનું કડક પાલન કરાવવું તંત્ર માટે અત્યંત જરૂરી બની રહેશે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!