અનાથ, નિરાધાર અને મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન જીવતાં બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની સુવિધાઓ મળી રહે તેમજ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, જે આવા બાળકો અને તેમના પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે.જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર હસ્તકની જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી દ્વારા પાલક માતા-પિતા યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૮૭૧ અનાથ બાળકોને તેમના શિક્ષણ અને સંભાળના ખર્ચ માટે દર મહિને રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

કોરોના મહામારી દરમિયાન માતા-પિતા ગુમાવનાર બાળકોને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત માતા-પિતા બંને ગુમાવનાર ૩૦ બાળકોને દર મહિને રૂ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે માતા કે પિતામાંથી કોઈ એકને ગુમાવનાર ૧,૦૧૫ બાળકોને તેમના અભ્યાસ માટે દર મહિને રૂ. ૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ સહાય બાળકો ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોને સંસ્થાકીય સંભાળમાંથી તેમના પરિવારમાં પુનઃસ્થાપિત કર્યા બાદ તેમના શિક્ષણ અને ઉછેરમાં આર્થિક મુશ્કેલી ન પડે તે માટે ૧૪૩ બાળકોને રાજ્ય સરકાર તરફથી દર મહિને રૂ. ૩,૦૦૦ અને કેન્દ્ર સરકાર તરફથી દર મહિને રૂ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે.એચ.આઈ.વી.થી અસરગ્રસ્ત બાળકો તેમજ જેમનાં માતા-પિતામાંથી કોઈ એક આ બીમારીથી અસરગ્રસ્ત હોય તેવા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૧૫૦ બાળકોને ધોરણ મુજબ શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેથી આર્થિક મુશ્કેલીઓ તેમના અભ્યાસમાં અવરોધ ન બને.૧૬૫ બાળકોને સંસ્થાકીય આશ્રય સાથે શિક્ષણ અને સંભાળ પરિવારની સંભાળથી વંચિત અથવા વિશેષ સુરક્ષાની જરૂરિયાત ધરાવતાં બાળકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે જિલ્લામાં ૧૬૫ બાળકોને સંસ્થાકીય આશ્રય આપવામાં આવ્યો છે.

અહીં બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવે છે.પાલક માતા-પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના ગૃહસ્થ જીવનની શરૂઆત સરળ બને તે હેતુથી લગ્ન સહાય પેટે રૂ. ૨ લાખ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨૫ દીકરીઓને કુલ રૂ. ૫૦ લાખની સહાય આપવામાં આવી છે.ભરૂચ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના માધ્યમથી અનાથ, નિરાધાર અને મુશ્કેલ પરિસ્થિતિમાં જીવતાં બાળકોને આર્થિક સહાય, શિક્ષણ, આરોગ્ય, પોષણ, આશ્રય અને સુરક્ષા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
DIGITAL YUG NEWS, BHARUCH









