પર્યાવરણ સંરક્ષણ અને વિસ્તારમાં હરિયાળી વધારવાના હેતુ સાથે આમોદ તાલુકાના વેડચા ગામે આશરે ૩ હેક્ટર વિસ્તારમાં વિકસાવાયેલા વિશાળ ‘વનકવચ’નું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૮૧ જાતના વિવિધ વૃક્ષોના વાવેતરથી વિકસાવાયેલું આ વનકવચ આવનારા સમયમાં પર્યાવરણની જાળવણી સાથે વિસ્તારની હરિયાળીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સ્વામી ઉપરાંત આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાયમા, ઉપપ્રમુખ વિજય ઠાકોર, ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, ગામના આગેવાન મહેશ ઠાકોર સહિત ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા લોકોને પ્રેરણા આપી હતી.ઉપરાંત ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે વનકુટિરનું પણ રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોએ વનકવચની મુલાકાત લઈ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. વિશાળ વિસ્તારમાં વિકસતી હરિયાળી નિહાળી ઉપસ્થિત મહેમાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.નોંધપાત્ર છે કે વનકવચનું વિકાસ કાર્ય આમોદ સામાજિક વનીકરણ રેન્જના ફોરેસ્ટર મહેન્દ્રસિંહ કપલેટીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રસંગે બીટગાર્ડ સહિત વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહંમદ ખત્રી, આમોદ









