જંબુસર તાલુકાના રામપુર ગામે દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામના છેવાડે ઘર આંગણે બાંધેલી ગાય પર રાત્રિના અંધકારમાં દીપડાએ હુમલો કરી તેનો શિકાર કરતા ગાયનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

રામપુર ગામમાં પશુપાલક દિલીપસિંહ પ્રતાપસિંહ સોલંકીની ગાય ઘરના આંગણે બાંધેલી હતી. રાત્રિના સમયે દીપડાએ ગાય પર અચાનક હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ગાયનું મોત થતાં વહેલી સવારે બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. જંબુસર ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા દીપડાના પગલાં, અવરજવર તેમજ હુમલાની પરિસ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે.રહેણાંક વિસ્તાર નજીક દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.ખાસ કરીને રાત્રિના સમયે લોકો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાની અવરજવર પર નજર રાખવા, જરૂરી તકેદારીના પગલાં લેવા તેમજ દીપડાને પકડી લોકો અને પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.હાલ વન વિભાગ દ્વારા ઘટનાની તપાસ સાથે દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગ્રામજનોને પણ રાત્રિના સમયે સાવચેતી રાખવા સાથે પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે.









