આમોદના મછાસરા ગામે હૃદયદ્રાવક ઘટના :: ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકતાં બે વર્ષના માસૂમનું મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદના મછાસરા ગામે હૃદયદ્રાવક ઘટના બનવા પામી હતી.જેમાં ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકતાં બે વર્ષના માસૂમનું મોત નિપજતા શોકનું મોજું પ્રસરી ગયું હતું.મોડી રાત સુધી પરિવારજનો અને ગ્રામજનોની ભારે શોધખોળ બાદ વરસાદી કાંસમાંથી વિહાન રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. આમોદ તાલુકાના મછાસરા ગામમાં રહેતા શૈલેષભાઈ અરવિંદભાઈ રાઠોડના માત્ર બે વર્ષના પુત્ર વિહાન રાઠોડનું ખુલ્લી વરસાદી કાંસમાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રાત્રિના સમયે વિહાન ઘર આગળ નજરે ન પડતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.બાળકની શોધખોળ માટે પરિવારજનો સાથે સ્થાનિક ગ્રામજનો પણ જોડાયા હતા. ઘટનાની જાણ થતાં ગામના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સરપંચ સહિતના લોકો પણ માનવતાના ધોરણે માસૂમ વિહાનની શોધખોળમાં લાગ્યા હતા.આમોદ પંથકમાં છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને પગલે વરસાદી કાંસ અને ગટરોમાં પાણીનું વહેણ વધ્યું હતું.

દરમિયાન બાળકના ઘર નજીક આવેલી ખુલ્લી વરસાદી કાંસમાં તપાસ હાથ ધરવામાં આવતા નવીનગરી નજીક અબ્બાસ બાપાની દુકાન પાસેની વરસાદી કાંસમાંથી માસૂમ વિહાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો, જ્યારે સમગ્ર નવીનગરી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ આમોદ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માત્ર બે વર્ષના માસૂમ બાળકના દુઃખદ મોતની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.સાથે જ રહેણાંક વિસ્તારોમાં આવેલી ખુલ્લી વરસાદી કાંસ અને જોખમી પાણીના વહેણ અંગે સલામતીના પ્રશ્નો પણ ઊભા થયા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,આમોદ 

Loading Viewer...

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!