દહેજ :: વાવ ગામ માં BVC કંપનીના કથિત કેમિકલ ભરેલા ટેમ્પાને ગ્રામજનોએ અટકાવી વિરોધ નોંધાવ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના વાવ ગામે BVC કંપનીમાંથી કથિત કેમિકલ ભરીને લઈ જતાં ટેમ્પાને ગ્રામજનોએ રોકી વિરોધ નોંધાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેમ્પામાં લઈ જવાતું કેમિકલ તીવ્ર દુર્ગંધ ધરાવતું હતું અને તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હોવાના આક્ષેપો કરાયા છે.ઘટનાને પગલે ગામમાં ચિંતાની સાથે રોષનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામજનોનો આક્ષેપ છે કે વાવ ગામમાંથી પસાર થતો માર્ગ મુખ્યત્વે ગ્રામજનો અને રાહદારીઓના ઉપયોગનો રસ્તો હોવા છતાં કંપનીઓના મોટા અને ભારે વાહનોની અવરજવર સતત થઈ રહી છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ભારે વાહનોના નિયમન અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.કેમિકલમાંથી આવતી દુર્ગંધ અંગે ગ્રામજનો દ્વારા જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી કે.એન. વાઘમશી ને ટેલીફોનિક જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ GPCB તરફથી આ બાબત GIDC વિસ્તારમાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ GIDCનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કથિત રીતે ફોન પર યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.હાલના તબક્કે સંબંધિત પરવાનગીઓ અને સલામતીના ધોરણોનું પાલન થાય છે કે નહીં, તેની સત્તાવાર તપાસ જરૂરી બની છે. જોકે, કંપનીના અધિકારીઓ દ્વારા ઘટનાને લઈને ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.કંપનીના અધિકારીઓ જો કેમિકલનું પરિવહન સંપૂર્ણપણે નિયમસર અને સલામત હોવાનો દાવો કરતા હોય તો તેની સંબંધિત પરવાનગીઓ, સલામતીના ધોરણો અને પરિવહન સંબંધિત દસ્તાવેજો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કેઅગાઉ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા કંપનીના વાહનોને આ માર્ગ પરથી અવરજવર ન કરવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે BVC કંપનીને કડોદરા ચોકડીથી કડોદરા ગામ તરફ જતા રસ્તાના ઉપયોગ સાથે જોડાયેલી શરતોના સંદર્ભમાં કાસ ઉપર નાળું બનાવવા માટે અગાઉ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી.

 

વાવ ગામની ઘટનાએ કંપનીના કેમિકલ પરિવહન, ગ્રામ્ય માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર, જાહેર સલામતી, પર્યાવરણ તેમજ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની કાયદેસરતા અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.હવે જોવાનું એ રહ્યું કે વાવ ગામના ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા ગંભીર આક્ષેપો અંગે GPCB, GIDC અને કડોદરા ગ્રામ પંચાયત સહિતનું જવાબદાર તંત્ર કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરે છે કે પછી મામલો એકબીજા વિભાગ પર ઢોળવામાં જ અટકી જાય છે.

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા – દહેજ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!