ત્રાલસા ની એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ત્રાલસા સ્થિત એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.બાળ શિક્ષકોએ આચાર્ય લઈ શિક્ષક અને સેવક સુધીની ભૂમિકા ભજવી અનોખી શૈક્ષણિક અનુભૂતિ કરાવી હતી.ત્રાલસા સ્થિત શ્રીમતી એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિરમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉત્સાહ, ઉમંગ અને આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

શિક્ષકના સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં અનોખું શૈક્ષણિક વાતાવરણ સર્જાયું હતું.“શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈં” જેવી પ્રેરણાદાયી ઉક્તિને સાર્થક કરતા કાર્યક્રમમાં શિક્ષકની ભૂમિકા અને મહત્ત્વને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યું હતું. જ્ઞાન સાથે જીવનમૂલ્યો, સંસ્કાર, શિસ્ત અને જવાબદારીનું સિંચન કરનાર તમામ ગુરુજનોને શિક્ષક દિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે મહાન શિક્ષણશાસ્ત્રી અને ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે તેમને ભાવપૂર્વક યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.શિક્ષક દિનની ઉજવણીનું વિશેષ આકર્ષણ બાળ શિક્ષકો દ્વારા ભજવવામાં આવેલી વિવિધ ભૂમિકાઓ રહી હતી.

વિદ્યાર્થીઓએ આચાર્ય, શિક્ષક તેમજ શાળાના સેવક સહિતની ભૂમિકાઓ બખૂબી નિભાવી શાળાના વર્ગખંડોને જાણે રંગમંચમાં પરિવર્તિત કરી દીધા હતા. વિદ્યાર્થીઓના અભિનય, આત્મવિશ્વાસ અને જવાબદારીભર્યા વર્તને ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓમાં સમયબદ્ધતા, શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ અને જવાબદારીની ભાવના જોવા મળી હતી. બાળ શિક્ષકોએ શિક્ષણની પ્રક્રિયાને નજીકથી અનુભવતા શિક્ષકની જવાબદારી અને પડકારોને પણ સમજવાનો અનોખો અવસર મેળવ્યો હતો.

 

કહેવાય છે કે રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. શિક્ષકના હાથમાં રહેલો સફેદ ચોક માત્ર બ્લેકબોર્ડ પર અક્ષરો નથી લખતો, પરંતુ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યની રેખાઓ દોરે છે. જ્યારે જીવનમાં માર્ગ અસ્પષ્ટ બને છે ત્યારે જ્ઞાનનો દીપ પ્રગટાવી સાચી દિશા બતાવનાર ગુરુ જ હોય છે.રાષ્ટ્રીય શિક્ષક દિનના આ પાવન અવસરે શ્રીમતી એમ. ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિરના શાળા પરિવારે સમાજ અને રાષ્ટ્રના ઘડતર માટે નિઃસ્વાર્થ ભાવથી કાર્યરત તમામ ગુરુજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!