વાગરા તાલુકાના વછનાદ ગામે ગટરથી ખેતસીમા સાથે છેડછાડના આક્ષેપો સાથે RCC રોડનો હુકમ છતાં કામગીરી ન કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.જિલ્લા પંચાયતના આદેશ બાદ પણ કાર્યવાહી ક્યાં અટકી? તલાટીએ “આવો કોઈ ઓર્ડર મળ્યો નથી” કહેતાં વહીવટી તંત્ર સામે સવાલો ઉભા થવા પામ્યા છે.વાગરાના વછનાદ ગામે ગ્રામ પંચાયતની કામગીરી સામે ગંભીર આક્ષેપો ઉઠતાં વહીવટી તંત્રમાં ચકચાર મચી છે. ખેતરની સીમા સાથે ગટર બનાવવાના બહાને ચેડા કરવામાં આવ્યા હોવાના તેમજ RCC રોડ બનાવવાનો હુકમ હોવા છતાં આજદિન સુધી રોડનું કામ શરૂ ન કરાયું હોવાના આક્ષેપ સાથે અરજદાર દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.વછનાદ ગામના રહીશ રાજ ભગવાનસિંહ બહેચરસિંહ દ્વારા તા.૧૪ જુલાઈ,૨૦૨૬ ના રોજ કરવામાં આવેલી રજૂઆતમાં ગામના જૂના સર્વે નંબર ૨૪૧ અને નવા સર્વે નંબર ૩૨૮ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારના આક્ષેપ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ગટરના નામે ખેડૂતની જમીનની સીમા ખોટી રીતે દૂર કરવામાં આવી છે. સમગ્ર મામલે અધિકૃત અધિકારી મારફતે અરજદારની હાજરીમાં સ્થળ તપાસ કરાવવા તેમજ જવાબદાર સરપંચ અને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત ઘરથી ગામ સુધી RCC રોડ બનાવવાનો હુકમ કરવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ ન થયો હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે. વર્ષોથી મૂળભૂત સુવિધા સમાન રસ્તાની રાહ જોતા અરજદારે તાત્કાલિક RCC રોડ બનાવવાની માંગ કરી છે.આ મામલે ભરૂચ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.૨૪ જુલાઈ,૨૦૨૬ ના રોજ વાગરા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી નિયમોનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરી હકીકતલક્ષી અહેવાલ તાત્કાલિક રજૂ કરવા તેમજ અરજદારને પણ તેનો પ્રત્યુત્તર આપવા સૂચના આપવામાં આવી છે.
“અમને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી” :: અંકુરભાઈ,(તલાટી-વછનાદ)
આ સમગ્ર ઘટનાક્રમ મામલે-મીડિયા દ્વારા વછનાદ ગ્રામ પંચાયતના તલાટી અંકુરભાઈનો મોબાઈલ ફોન પર સંપર્ક કરી જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવેલી સૂચના અંગે પૃચ્છા કરતાં તલાટીએ “અમને આવો કોઈ ઓર્ડર મળ્યો નથી” તેમ જણાવ્યું હતું.એક તરફ જિલ્લા પંચાયત દ્વારા કાર્યવાહી અને અહેવાલ માટે લેખિત સૂચના અપાઈ છે, જ્યારે બીજી તરફ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આવો કોઈ ઓર્ડર મળ્યો ન હોવાનું જણાવાતાં સમગ્ર મામલો હવે અનેક સવાલો ઉભા કરે છે.શું જિલ્લા પંચાયતનો પત્ર તાલુકા કક્ષાએ પહોંચ્યો નથી? કે પછી પત્ર મળ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી? અથવા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આપવામાં આવેલ જવાબ ખોટો છે? આ તમામ પ્રશ્નો હવે તપાસનો વિષય બન્યા છે.
વાગરા TDO અને ભરૂચ જિલ્લા પંચાયતની આગામી કાર્યવાહી પર સહુની મંડાઇ મીટ
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાતો કરવામાં આવે છે, ત્યારે વછનાદ ગામમાં RCC રોડ જેવી મૂળભૂત સુવિધા માટે લાંબી રાહ જોવી પડે અને સાથે જ જાહેર સંસ્થા દ્વારા જ ખેતસીમા સાથે ચેડા કરવાના આક્ષેપો થાય તે ગંભીર બાબત ગણાય છે.હવે જોવાનું એ રહ્યું કે વાગરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક સ્થળ તપાસ કરવામાં આવશે કે નહીં? જિલ્લા પંચાયતના આદેશનો હકીકતમાં અમલ થયો છે કે નહીં તેની તપાસ થશે કે નહીં?સમગ્ર મામલે અરજદાર સહિત વછનાદ ગામના લોકોની નજર હવે વાગરા તાલુકા વિકાસ અધિકારી અને ભરૂચ જિલ્લા પંચાયતની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ,વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









